જંત્રીની ઝંઝટથી માર્કેટ પર માઠી અસર, ડેવલપર્સ નહીં લઈ શકતા નિર્ણયો, રાહ જોવાય રહી છે જંત્રીના દરોની.

જંત્રીના દરોમાં રાજ્ય સરકારે સૂચિત ધરખમ વધારો કરવાની જાહેરાતથી, ડિસેમ્બર, જાન્યુઆરી બે મહિનામાં ગુજરાતભરનું રિયલ એસ્ટેટ માર્કેટ ત્રાહિમમ્ થઈ ગયું. કારણ કે, રિયલ એસ્ટેટ અને જમીનના વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારોને એવું લાગવા લાગ્યું કે, જંત્રીના દરોમાં ધરખમ વધારાથી રિયલ એસ્ટેટમાં મંદી આવશે અને વ્યવહારો ખોરવાશે આવા ભયને કારણે, રિયલ એસ્ટેટ માર્કેટમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે,જે હાલ પણ યથાવત્ છે. પરંતુ, અમદાવાદ, ગાંધીનગરમાં યોજાયેલા પ્રોપર્ટી શો સહિત અન્ય કાર્યક્રમોમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રિયલ એસ્ટેટ માર્કેટમાં જંત્રીના દરો અંગે તેમની સ્પીચમાં સરળ અંદાજમાં કહ્યું કે, જંત્રીના દરોના વધારોને લઈને ડેવપલર્સ ચિંતા ના કરો, સરકાર આપના માટે હકારાત્મક અને જનકલ્યાણના હિતમાં નિર્ણય લેશે, આવી હૈયાધારણા બાદ, ગુજરાતભરના રિયલ એસ્ટેટ માર્કેટ સાથે જોડાયેલા વ્યવસાયકારોમાં હાસકારાનો અનુભવ થયો છે. જે બાદ માર્કેટ ફરી પાટા પર ચડ્યું છે. પરંતુ, હજુય સૌના મનમાં એક ચિંતા સતાવી રહી છે કે, રાજ્ય સરકાર જંત્રીના દરોના વધારા અંગે શું નિર્ણય લેશે. આ નિર્ણય અંગે સૌ કોઈ આતુર છે.

રાજ્ય સરકાર 2025માં જંત્રીના દરોમાં વધારો કરવા જઈ રહી છે. જે માટે રાજ્ય સરકારે, જનતા અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ પાસેથી 20 જાન્યુઆરી-2025 સુધીમાં વાંધાઓ અને સૂચનો મંગાવ્યા હતા. જે અંગે રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને કુલ મુસદ્દારૂપ જંત્રી-૨૦૨૪ માટે બે મહિનામાં રાજ્ય ૧૧,૦૪૬ વાંધાઓ સૂચનો મળ્યા છે. જે પૈકી ૫૪૦૦ જેટલા શહેરી અને ૫૬૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી વાંધા સૂચનો મળ્યા છે. રાજય સરકારને મળેલી કુલ રજૂઆતો પૈકી ૬૭૦૦ જેટલી પ્રવર્તમાન જંત્રી દર ઓછા કરવાની અને ૧૭૫૫ જેટલી જંત્રી દર વધારવા અંગે સૂચનો મળ્યા છે.

વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ તમામ વાંધા અને સૂચનોની જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા પ્રાથમિક ચકાસણી કર્યા બાદ રાજ્ય સરકારને રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકારને મળેલા વાંધા-સૂચના અરજીઓમાં સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી ૨,૧૭૯ અને સૌથી ઓછી તાપી જિલ્લામાંથી કુલ ૦૭ મળી છે.
હવે આ વાંધા-સૂચનોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડ્યૂટી દ્વારા મળેલ સૂચનોની પ્રાથમિક ચકાસણી કરીને જિલ્લા કક્ષાની સમીતિમાં આખરી નિર્ણય માટે મોકલવાની કામગીરી હાથ ધરાશે. જે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે. એટલે કે જંત્રીના દરોના વધારા અંગે અંદાજે માર્ચ મહિના બાદ, નિર્ણય લેવાશે તેવી પ્રબળ સંભાવના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.