‘કલેક્ટર’નો હોદ્દો માત્ર જમીન સુધારણા માટે મર્યાદિત નથી, પરંતુ જિલ્લાના સર્વાંગી વિકાસના વડા તરીકે કારગર કરો- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

અડાલજ દાદા ભગવાન મંદિર ખાતે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરના સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘કલેક્ટર’ના હોદ્દાને માત્ર જમીન સુધારણા અથવા લેન્ડ ગવર્નન્સ પૂરતો મર્યાદિત ન રાખતા, જિલ્લાનાં સાચા વિકાસના વડા તરીકે કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી પરિવર્તન ત્યારે જ સફળ ગણાશે જ્યારે તેનો સીધો લાભ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચશે.
તંત્રને સરકારનો ચહેરો ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, માત્ર હાઈ-પ્રોફાઈલ જમીન સંપાદન અથવા બિનખેતી મંજૂરીઓ જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિરાકરણ દ્વારા જ તંત્રની સાચી ઓળખ ઉભી થાય છે. જિલ્લા વહીવટનો મોટો હિસ્સો ઈ-ધરા અને જનસેવા કેન્દ્રોની કામગીરી સાથે જોડાયેલો હોવાથી, અધિકારીઓને આ કેન્દ્રોની કામગીરી વધુ અસરકારક, સુદ્રઢ અને ઝડપી બનાવવા વિશેષ ધ્યાન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓને અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો કે, નાગરિક કેન્દ્રિત અને ટેકનોલોજી આધારિત મહેસૂલી વહીવટી તંત્રને પ્રામાણિકતા, પારદર્શિતા અને નૈતિકતા સાથે નવી ઊંચાઈએ પહોંચાડવામાં આવશે.

શિબિર દરમિયાન વિવિધ જૂથોમાં થયેલા ગહન મંથન દરમિયાન જમીન સંબંધિત સેવાઓની પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવા અને ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવા બિનખેતી (NA) પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.શહેરી અને ગ્રામ્ય જમીન રેકોર્ડના વધુ સારા સંચાલન માટે ‘ઈન્સ્પેક્ટર ઑફ લેન્ડ રેકોર્ડ્સ’ની નવી જગ્યાઓ ઉભી કરી ડિજિટાઇઝેશન અને પારદર્શિતામાં વધારો કરવાનો સરકારનો મહત્વપૂર્ણ પ્રયાસ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



