આજે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે, 18,800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ
આજે વિશ્વ પર્યાવરણના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. PMO દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, બપોરે આશરે 2:30 વાગ્યે વડાપ્રધાન સુરત જિલ્લાના હજીરા ખાતે પહોંચશે અને ત્યાં ચાલી રહેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તથા માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.
ત્યારબાદ સાંજે આશરે 4:15 વાગ્યે વડાપ્રધાન સુરતમાં અંદાજે ₹18,800 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.
વડાપ્રધાન દમણ જશે, જ્યાં સાંજે આશરે 6:15 વાગ્યે તેઓ દમણના નમો એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ નમો હોસ્પિટલને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારપછી સાંજે આશરે 7:15 વાગ્યે તેઓ દમણમાં અંદાજે ₹2,970 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે અંદાજે ₹885 કરોડના ચાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ કરશે.
વધુમાં તેઓ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ-6 અને પેકેજ-7ને રાષ્ટ્રને સમર્પિત કરશે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઝડપી પરિવહન, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને આર્થિક જોડાણને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાન NH-56ના મહત્વપૂર્ણ માર્ગખંડોના ફોર-લેનિંગ સહિતના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જે આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચ વધુ સરળ બનાવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



