AMC ખરીદશે સ્નોર્કલ હાઈડ્રોલિક ફાયર સેફ્ટી ટ્રક, 104 મીટરની બિલ્ડિંગોમાં આગ પર મેળવશે કાબૂ

છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ શહેરમાં 100 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી અંદાજે 25 જેટલી ગગનચૂંબી બિલ્ડિંગો નિર્માણાધીન છે. ત્યારે સ્વભાવિક છે કે, સેફ્ટીના તમામ પ્રકારના પાસાં પર સરકારે વિચારુ જરુરી છે. ત્યારે કોર્પોરેશને ફાયર સેફ્ટીના ભાગરુપે, 100 મીટરની હાઈટવાળી તમામ બિલ્ડિંગોમાં આગ લાગે તો, તેમાં આગ ઓલવવા અને સલામતીના પગલાં ભરી શકાય તેવા હેતુસર 2.83 કરોડમાં 104 મીટરની ઊંચાઈ ધરાવતી એક અત્યાધુનિક સ્નોર્કલ નામની ફાયર સેફ્ટી ટ્રક સાથે ક્રેઈન ખરીદવાનો નિર્ણય લીધો છે, અને જેનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યો છે. જેની મંજૂરીની મ્હોર ગુરુવાર મળનારી સ્થાયી કમિટીની બેઠકમાં લેવાશે.

સ્નોર્કલ ફાયર સેફ્ટી ટ્રકની વિશિષ્ટતાઓ
- સ્નોર્કલ ફાયર સેફ્ટી ટ્રક(હાઈડ્રોલિક પ્લેટફોર્મ મશીન) 104 મીટરની હાઈટ ધરાવે છે. જેથી, 100 મીટરથી વધારે ઊંચાઈવાળી બિલ્ડિંગોમાં લાગતી આગ પર કાબૂ મેળવી શકાશે.
- સ્નોર્કલ ફાયર સેફ્ટી ટ્રકમાં વિવિધ પ્રકારના કેમેરાથી સજજ હશે. જેમ કે થર્મલ કેમેરા હશે. જે આગમાં જો કોઈ વ્યક્તિ ફસાયેલી હશે, તો તે ચોક્કસ કઈ જગ્યાએ ફસાઈ છે તે નીચે બેઠેલા મોનિટર કેબિનમાંથી પણ જાણી શકશે, જેથી ચોક્કસ દિશામાં પાણીનો મારો કરીને ત્યાંથી નાગરિકને બચાવી શકાશે.
- ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારનું ફાયર સેફ્ટી માટેનું મશીન ખરીદવામાં આવી રહ્યું છે.

સ્નોર્કલ ફાયર સેફ્ટી ટ્રકના પડકારો
- સ્થળ પર પહોચ્યા બાદ આ સ્નોર્કલ મશીન પૂર્ણ રુપથી કામ કરવા તૈયાર કરતાં અડધો કલાક સમય લાગશે.
કોર્પોરેશનની સ્થાયી કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના સેફ્ટી હાઈડ્રોલિક ટ્રક મશીન માત્ર જર્મન કંપની દ્વારા જ બનાવવામાં આવે છે. તમિલનાડુ અને મુંબઈ પાસે હાલ આ પ્રકારની હાઈડ્રોલિક ટ્રક મશીન છે. હાલ અમદાવાદમાં 25 વધુ ગગનચૂંબી બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે ત્યારે આ પ્રકારની ફાયર સેફ્ટી હાઈડ્રોલિક મશીન ખૂબ જ ફાયદાકાર સાબિત થશે.
હાલમાં, ચેન્નાઈ અને મુંબઈ જેવા શહેરોમાં 100 મીટરથી વધુ ઊંચા સ્નોર્કલ ફાયર સેફ્ટ ટ્રક છે. અમદાવાદ ગુજરાતનું પહેલું શહેર હશે જ્યાં 104 મીટરના સ્નોર્કલ ફાયર સેફ્ટી ખરીદવામાં આવશે. હાલમાં, વિવિધ વિસ્તારોમાં બે 54-મીટર સ્નોર્કલ અને એક 81-મીટર સ્નોર્કલ-કમ-હાઇડ્રોલિક પ્લેટફોર્મ સ્ટેન્ડબાય પર છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2021માં, રાજ્ય સરકારે એક ખાસ સમિતિની રચના કરી, જેના પછી AMC એ સોલાની TP સ્કીમ નંબર 40 માં 108.50 મીટરની ઊંચાઈ ધરાવતી ત્રણ ઈમારતો અને બોડકદેવની TP સ્કીમ નંબર 50 માં સમાન ઊંચાઈ ધરાવતી બીજી ઈમારતોને મંજૂરી આપવામાં આવી. વધુમાં, શીલજની TP સ્કીમ નંબર 54/A માં 120 મીટરની ઊંચાઈ ધરાવતી એક ઈમારતને મંજૂરી આપવામાં આવી. અત્યાર સુધીમાં, અમદાવાદમાં 100 મીટરથી ઊંચી 25 ઈમારતોને મંજૂરી આપવામાં આવી છે. સુરત, ગાંધીનગર અને વડોદરામાં, 100 મીટરથી ઊંચી પાંચ ઈમારતોને મંજૂરી આપવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.