NEWS

આગ લાગે ત્યારે તો ફસાયેલા લોકોને કેવી રીતે તાત્કાલિક બચાવવા તેની ટેક્નોલોજી સરકારે લાવવી જરુરી

તાજેતરમાં દિલ્હીમાં બનેલી હોટેલ અગ્નિકાંડની દુર્ઘટના બાદ અમદાવાદમાં ફાયર સેફ્ટી નિયમોના અમલને વધુ કડક બનાવવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ ઝોનમાં આવેલી હોટલો પર અચાનક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફાયર સેફ્ટીના નિયમોના અનેક ભંગ સામે આવ્યા હતા. પરિણામે 37 હોટલ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે.

AMCના જણાવ્યાનુસાર, સૌથી વધુ 12 નોટિસ દક્ષિણ ઝોનમાં આપવામાં આવી છે. ત્યારબાદ મધ્ય ઝોનમાં 9, પશ્ચિમ ઝોનમાં 6, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 5 અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 4 હોટલોને નોટિસ અપાઈ છે. ઉત્તર ઝોનમાં એક હોટલને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે પૂર્વ ઝોનમાં થયેલી તપાસ દરમિયાન કોઈ અનિયમિતતા સામે આવી નહોતી.

તપાસ અભિયાન દરમિયાન અધિકારીઓએ હોટલોમાં ફાયર સેફ્ટી નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરી હતી. ખાસ કરીને અગ્નિશામક સાધનોની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા, ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા, ફાયર એનઓસી (No Objection Certificate) તથા અન્ય સુરક્ષા સંબંધિત સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે હોટલોમાં ખામીઓ જોવા મળી હતી, તેમને તાત્કાલિક સુધારા કરવા અને નિર્ધારિત સુરક્ષા ધોરણોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

દિલ્હીની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને AMC આગામી દિવસોમાં પણ આવા સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન ચાલુ રાખશે તેવી શક્યતા છે. શહેરમાં ફાયર સેફ્ટી માટેની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા અને હોટલોમાં રહેતા મહેમાનો તથા મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સત્તાધીશો દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ફાયર સેફ્ટી તપાસ અભિયાન માત્ર હોટલો પૂરતું મર્યાદિત નથી. શહેરના વિવિધ વ્યાવસાયિક સંસ્થાનો અને જાહેર ઉપયોગના અન્ય સ્થળોએ પણ સમાન પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, ઇમરજન્સી ઇવેક્યુએશન સુવિધાઓ તેમજ સુરક્ષા નિયમોના પાલનની સમીક્ષા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા અને આગ સંબંધિત દુર્ઘટનાઓના જોખમને ઘટાડવા માટે આ અભિયાન સતત ચાલુ રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close