ઝોજિલા ટનલનો ઐતિહાસિક બ્રેકથ્રૂ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વચ્ચે વર્ષભર કનેક્ટિવિટીનો માર્ગ મોકળો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કારગિલ જિલ્લાના મીનામાર્ગ ખાતે ઝોજિલા ટનલ પ્રોજેક્ટના મુખ્ય ટનલ બ્રેકથ્રૂનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

અંદાજે 14 કિમી લાંબી અને 6,800 કરોડના ખર્ચે નિર્માણાધીન ઝોજિલા ટનલ પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વચ્ચે વર્ષભર કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. સોનમર્ગ અને મીનામાર્ગ વચ્ચેનો મુસાફરી સમય બે કલાકથી ઘટીને માત્ર 30 મિનિટ થશે.
ગડકરીએ જણાવ્યું કે ટનલમાં અદ્યતન વેન્ટિલેશન, ફાયર ડિટેક્શન સિસ્ટમ, સીસીટીવી દેખરેખ અને આધુનિક સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ પ્રોજેક્ટ પર્યટન, વેપાર, રોજગાર અને સરહદી વિસ્તારોના વિકાસને વેગ આપશે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે સેનાની અવરજવરને વધુ સુગમ બનાવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં કુલ હજારો કરોડ રૂપિયાના માર્ગ અને ટનલ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, જેમાં હાઇ-સ્પીડ કોરિડોર, રિંગ રોડ, મનાલી-લેહ ટનલ પ્રોજેક્ટ્સ અને દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે. ગડકરીએ જણાવ્યું કે ઝોજિલા ટનલનું સફળ બ્રેકથ્રૂ નવા ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



