GovernmentNEWS

ગુજરાત અને IN-SPACe દ્વારા જીઆઈડીસી ખોરાજ ખાતે કોમન ટેક્નિકલ સુવિધાઓ સાથે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક નિર્માણ પામેશ.

ગુજરાત સરકાર દ્વારા જીઆઈડીસી ખોરાજ ખાતે વિકસાવવામાં આવી રહેલા સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના ભાગરૂપે અવકાશ ટેકનોલોજી ક્ષેત્ર માટે કોમન ટેક્નિકલ ફેસિલિટીઝ (CTF) સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સુવિધાઓનું ડિઝાઇનિંગ IN-SPACe સાથેના નજીકના સહકારથી કરવામાં આવી રહ્યું છે, જેથી તે રાષ્ટ્રીય ધોરણો તેમજ સ્થાપિત કંપનીઓ અને ઉભરતા ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ બની શકે.

આ કોમન ટેક્નિકલ ફેસિલિટીઝનો મુખ્ય હેતુ એવી ઉચ્ચ ગુણવત્તાવાળી પરીક્ષણ અને વેલિડેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાનો છે, જે સ્ટાર્ટઅપ્સ અને MSME એકમો માટે સ્વતંત્ર રીતે ઉભું કરવું મુશ્કેલ હોય છે. એક સામાન્ય પ્લેટફોર્મ મારફતે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાથી ઉત્પાદન વિકાસની પ્રક્રિયા ઝડપી બનશે અને સ્પેસ-ગ્રેડ સિસ્ટમોની વિશ્વસનીયતા વધશે, જેના પરિણામે દેશના અવકાશ ટેકનોલોજી ઇકોસિસ્ટમને મહત્વપૂર્ણ પ્રોત્સાહન મળશે.

જીઆઈડીસી ખોરાજ ખાતે વિકસાવવામાં આવતી કોમન ટેક્નિકલ ફેસિલિટીઝમાં નીચેની સુવિધાઓનો સમાવેશ થાય છે

• સેફ્ટી સિસ્ટમ્સ સાથે ક્લીનરૂમ (ક્લાસ 100,000)
• પર્યાવરણીય પરિસ્થિતિઓનું અનુકરણ કરવા માટે થર્મો-વેક્યૂમ ચેમ્બર
• 12 ટન સુધીના પેલોડને સંભાળી શકે તેવી વાઇબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ
• EMI/EMC પરીક્ષણ સુવિધાઓ
• ક્લાઈમેટ ટેસ્ટ ચેમ્બર
• માસ પ્રોપર્ટીઝ માપન સિસ્ટમ્સ
• મેગ્નેટિક ફિલ્ડ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
• પૃથ્વી નિરીક્ષણ (Earth Observation) ઓપ્ટિક્સના કેલિબ્રેશન માટેની સુવિધાઓ

આ CTFના વિકાસ માટે IN-SPACe રાજ્ય સરકારને ટેક્નિકલ સહાય ઉપરાંત સાધનો માટે રૂ. 100 કરોડ સુધીનું નાણાકીય યોગદાન આપશે. જ્યારે આ સુવિધાઓ તથા સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના બાંધકામ અને સંચાલન માટે જરૂરી વધારાના નાણાં રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે.

આ પહેલ સ્ટાર્ટઅપ્સ અને MSME ક્ષેત્રની અવકાશ ઉદ્યોગમાં ભાગીદારીને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે, કારણ કે તે પ્રવેશ માટેના અવરોધો ઘટાડશે અને આવશ્યક ટેક્નિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચ સુલભ બનાવશે. આ શેરડ મોડલ દ્વારા કંપનીઓ પોતાના ઘટકો અને સિસ્ટમ્સનું પરીક્ષણ તથા પ્રમાણન રાજ્યની અંદર જ કરી શકશે.

IN-SPACe Industry Connectની 10મી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યના યુવાનોની ક્ષમતાઓ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર IN-SPACe અને ઉદ્યોગ ક્ષેત્રના હિતધારકો સાથે મળીને ગુજરાતની સ્પેસ અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે સતત કાર્યરત રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે જીઆઈડીસી ખોરાજ ખાતે 50 એકર જમીન ફાળવી છે, જેને ભવિષ્યમાં 100 એકર સુધી વિસ્તૃત કરી શકાય તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતી (IAS) તથા GSEMના મિશન ડિરેક્ટર નેહા કુમારી (IAS)એ માહિતી આપી હતી કે ખોરાજ સ્થિત સ્પેસ પાર્કમાં અંતરિક્ષ યાન, પેલોડ સિસ્ટમ્સ અને અવકાશ આધારિત એપ્લિકેશન્સના ડિઝાઇન અને વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close