સાવધાન ! હવે પાંચ કે તેથી વધારે ટ્રાફિક ભંગના ચલણ મેળવનાર વાહનચાલકોનું લાઈસન્સ અસ્થાયી રદ્ થઈ શકે

રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક અમલવારી કરવાની જાહેરાત કરી છે. જેમાં નવા નિયમો મુજબ, એક વર્ષ દરમિયાન પાંચ કે તેથી વધુ ટ્રાફિક ચલણ મેળવનારા વાહનચાલકોના ડ્રાઈવિંગ લાઈસન્સને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
સત્તાવાર નિવેદન મુજબ, કેન્દ્ર સરકારે ઈ-ચલણ સામે વાંધો અથવા ફરિયાદ નોંધાવવા માટે નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરી છે. વાહન માલિક અથવા ડ્રાઇવર ઇ-ચલણ જારી થયાની તારીખથી 45 દિવસની અંદર ફરિયાદ અથવા વાંધો રજૂ કરી શકશે.

જો આ સમયગાળા દરમિયાન કોઈ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે, તો ઈ-ચલણને વાહન માલિક અથવા ડ્રાઇવર દ્વારા સ્વીકારાયેલ માનવામાં આવશે. ત્યારબાદ આગામી 30 દિવસની અંદર બાકી દંડની રકમ ચૂકવવી ફરજિયાત રહેશે.
સરકારે વધુમાં જણાવ્યું કે, નિર્ધારિત સમયમર્યાદામાં ચલણની રકમ ભરવામાં નહીં આવે તો સંબંધિત વાહનને વાહન (Vahan) પોર્ટલ પર “Not to be Transacted” તરીકે ચિહ્નિત કરવામાં આવશે. આ સ્થિતિ લાગુ થયા બાદ બાકી દંડની સંપૂર્ણ ચુકવણી ન થાય ત્યાં સુધી વાહન સંબંધિત કોઈપણ વહીવટી સેવા આપવામાં આવશે નહીં.
સત્તાવાળાઓએ નાગરિકોને બાકી રહેલા ઇ-ચલણનો સમયસર નિકાલ કરવા અપીલ કરી છે, જેથી કાનૂની મુશ્કેલીઓ, વાહન સંબંધિત સેવાઓમાં અવરોધ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થવા જેવી કડક કાર્યવાહીથી બચી શકાય.
સુધારેલા નિયમોનો હેતુ ટ્રાફિક દંડની સમયસર વસૂલાત સુનિશ્ચિત કરવાનો અને માર્ગ સુરક્ષા નિયમોના પાલનમાં વધારો કરવાનો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



