મકરબા રેલવે ઓવર બ્રિજનું મ્યુનિ.કમિશનરે કર્યું નિરીક્ષણ, 31 જુલાઈ સુધીમાં કામ પૂર્ણ કરવા સૂચના

અમદાવાદ શહેરમાં અને એસ.પી. રીંગ પર માળખાકીય વિકાસ અંતર્ગત ફ્લાયઓવર બ્રિજ, અંડરપાસ બ્રિજ, રેલ્વે ઓવર બ્રિજ, એલિવેટેડ કોરિડોર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. જેના પગલે, અમદાવાદીવાસીઓ સહિત મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એટલે, જે બ્રિજોનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે તે ટાઈમલાઈનમાં પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. કારણ કે, વર્તમાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવે આસમાને પહોચ્યા છે ત્યારે ગરમીમાં મુસાફરો ટ્રાફિકમાં કલાકો સુધી લાઈનમાં કારોમાં ઉભા રહે છે પરિણામે, ઈંધણનો મોટાપાયે બગાડ થાય છે. જેથી સરકાર સત્વરે તમામ નિર્માણકાર્યોને ડેડલાઈન પૂર્ણ કરવા જરુરી છે.

આ સ્થિતિમાં ધ્યાનમાં લઈને અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બચ્છાનિધિ પાનીએ મકરબા વિસ્તારમાં નિર્માણ પામી રહેલા રેલ્વે ઓવર બ્રિજના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે મકરબા રેલ્વે ઓવર બ્રિજને 31 જુલાઈના રોજ આ બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણ કરીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા તાજેતરમાં આ પ્રોજેક્ટ અંતર્ગત 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડરનું સફળ લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે. ઓવરબ્રિજ કાર્યરત બન્યા બાદ મકરબા, વેજલપુર કોર્પોરેટ રોડ અને એસ.જી. હાઈવે વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે તેમજ હાલના રેલવે ક્રોસિંગને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.
રૂ. 87.30 કરોડના મૂળ અંદાજ સામે રૂ. 70.70 કરોડના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટમાં વેજલપુરના ટોરેન્ટ પાવર મકરબાથી કોર્પોરેટ રોડ અને એસ.જી. હાઈવેને જોડતા 40 મીટર પહોળા માર્ગ પર 636.9 મીટર લાંબા ચાર લેનના ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બ્રિજમાં 16.4 મીટરની કુલ પહોળાઈ સાથે 15.5 મીટર પહોળો કેરેજવે રહેશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



