ધોલેરામાં રૂ. 438.74 કરોડના ખર્ચે 220 કરોડ લિટરની ક્ષમતાનો કાચા પાણીનો જળાશય બનશે

ધોલેરા: Built India Media: ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં રૂ. 438.74 કરોડના અંદાજિત ખર્ચે 2,200 મિલિયન લિટર એટલે કે 220 કરોડ લિટર ક્ષમતાનો કાચા પાણીનો જળાશય અને પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો હેતુ ધોલેરાના ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ વિકાસ માટે પૂરતા પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. પ્રોજેક્ટ EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) ધોરણે હાથ ધરવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં જળાશયનું નિર્માણ, કાચા પાણીનું પમ્પિંગ સ્ટેશન, રાઇઝિંગ મેઇન અને પાઇપલાઇન નેટવર્ક, આધુનિક ઓટોમેશન તથા કંટ્રોલ સિસ્ટમ અને સ્થળ વિકાસ સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ બાંધકામ 18 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે.

પ્રોજેક્ટના કુલ ખર્ચમાં જળાશયના નિર્માણ પાછળ સૌથી વધુ 70.95% રકમ ખર્ચાશે. સ્થળ વિકાસ માટે 11.20%, પમ્પિંગ સ્ટેશન માટે 7.35% અને રાઇઝિંગ મેઇન, પાઇપલાઇન નેટવર્ક તથા ઓટોમેશન સિસ્ટમ માટે 4.50% ખર્ચની જોગવાઈ છે. બાકીની રકમ પરીક્ષણ, કમિશનિંગ અને જરૂરી દસ્તાવેજીકરણ માટે ફાળવવામાં આવશે.
ધોલેરામાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટા ડેટા સેન્ટર્સ વિકસિત થવાની સાથે પાણીની માંગ વધવાની અપેક્ષા છે. ખાસ કરીને ડેટા સેન્ટર્સમાં કૂલિંગ કામગીરી માટે સતત અને મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. 220 કરોડ લિટરની સંગ્રહ ક્ષમતા ધરાવતો આ જળાશય ભવિષ્યમાં પાણીની અછત સામે સુરક્ષા પૂરી પાડવામાં મદદરૂપ થશે. કોન્ટ્રાક્ટરે જળાશયની કામગીરી અને જાળવણીની જવાબદારી પણ પાંચ વર્ષ સુધી નિભાવવાની રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



