PM મોદીએ અમદાવાદ મેટ્રો વિસ્તરણ સહિત ત્રણ મોટા વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું

ગુજરાત: Built India Media: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા ક્ષેત્રને વેગ આપતા ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ્સ અમદાવાદ, મહેસાણા અને બનાસકાંઠા વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2A અને ફેઝ-2Bના વિસ્તરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ફેઝ-2A હેઠળ મેટ્રો કનેક્ટિવિટી એરપોર્ટ સુધી લંબાવવામાં આવશે, જ્યારે ફેઝ-2B દ્વારા GIFT Cityને મેટ્રો નેટવર્ક સાથે જોડવામાં આવશે. આ વિસ્તરણથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની પરિવહન સુવિધા વધુ મજબૂત બનશે.

આ ઉપરાંત, અમદાવાદ–મહેસાણા સ્ટેટ હાઇવે-41ને હાલના 4 લેનમાંથી 8 લેનમાં વિકસાવવાના આશરે ₹2,600 કરોડના પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગના વિસ્તરણથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચે વાહનવ્યવહાર વધુ સરળ બનવાની અપેક્ષા છે.
બનાસકાંઠાના થરાદ અને રાધનપુર ખાતે બે નવા Bio-CNG પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટમાં પશુઓના છાણનો ઉપયોગ કરીને બાયોગેસનું ઉત્પાદન કરવામાં આવશે. બંને પ્લાન્ટની દૈનિક પ્રોસેસિંગ ક્ષમતા અનુક્રમે 75 અને 100 મેટ્રિક ટન રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા



