CommercialGovernmentGovtNEWSPROJECTSResidential

સુરત, અમદાવાદ અને ભાવનગરની 7 TPને મુખ્યમંત્રીની મંજૂરી

Chief Minister approves 7 TPs of Surat, Ahmedabad and Bhavnagar

રાજ્ય સરકાર એક બાદ એક શહેરની ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવા લાગી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને એકસાથે મંજૂરી આપી છે. એમાં સુરતની 4 પ્રીલિમિનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની 1-1 પ્રીલિમિનરી ટી.પી. તેમજ બાવળાની 1 ડ્રાફ્ટ ટી.પી.નો સમાવેશ થાય છે.

સુરતમાં 7600 આવાસનું નિર્માણ થઈ શકશે
ભૂપેન્દ્ર પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી. સ્કીમ નં. 27 ભટાર-મજૂરા, સ્કીમ નં.51 ડભોલી, સ્કીમ નં. 50 વેડ-કતારગામ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રારંભિક ટી.પી. સ્કીમ નં. 85 સરથાણા-પાસોદરા-લાસકાણાની મંજૂરી આપી છે. સુરત મહાનગરપાલિકાની આ 3 પ્રારંભિક ટી.પી. સ્કીમ મંજૂર થવાને પરિણામે બાગ-બગીચા, રમત-ગમતનાં મેદાન માટે કુલ 8.94 હેક્ટર્સ જમીન પ્રાપ્ય બનશે. એટલું જ નહિ, જાહેર સુવિધાનાં કામો માટે 16.96 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે તેમજ આર્થિક રીતે નબળા વર્ગના EWS આવાસોના નિર્માણ માટે 8.58 હેક્ટર્સ જમીન પર 7600 આવાસોનું નિર્માણ થઇ શકશે.

સુડાને બાગ-બગીચા જેવી સગવડ માટે 6.69 હેક્ટર્સ જમીન મળશે
સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રીલિમિનરી ટી.પી. સ્કીમ 85 સરથાણા-પાસોદરા-લાસકણા મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. એને કારણે જાહેર સુવિધાનાં કામો માટે 9.25 હેક્ટર્સ, બાગ-બગીચા, રમત-ગમત મેદાનો જેવી સગવડ માટે 6.69 હેક્ટર્સ તેમજ 5100 EWS આવાસો નિર્માણ થાય તે હેતુસર 5.72 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થવાની છે.

કુલ 41.08 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે
આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે 1.73 હેક્ટર્સ મળી સુડાની આ સ્કીમમાં અંદાજે કુલ 23.41 હેક્ટર્સ જમીન અને સુરત મહાનગરની 3 પ્રારંભિક ટી.પી. સ્કીમમાં કુલ 41.08 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. સુરત મહાનગરની ત્રણ પ્રારંભિક ટી.પી. સ્કીમ સ્કીમ નં-51, ડભોલી સ્કીમ નં-27, ભટાર-મજૂરા અને સ્કીમ નં.50 વેડ કતારગામ ત્રણેયમાં આંતરમાળખાકીય સુવિધાના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર કુલ મળીને 6.84 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થવાની છે.

અમદાવાદમાં 2700 આવાસનું નિર્માણ થઈ શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જે ટી.પી. સ્કીમ મંજૂર કરી છે એ અન્વયે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રીલિમિનરી ટી.પી. સ્કીમ 81 લાંભા-લક્ષ્મીપૂરા-1માં કુલ 19.68 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. આ પ્રીલિમિનરી ટી.પી. સ્કીમમાં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે 8.05 હેક્ટર્સ જમીન મળશે. આ ઉપરાંત બાગ-બગીચા તેમજ રમત-ગમતનાં મેદાન માટે 3.12 હેક્ટર્સ અને સામાજિક, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અંદાજે 2700 આવાસોના નિર્માણ માટે 3.01 હેક્ટર્સ જમીન મળશે.

ભાવનગરમાં 11.32 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે
​​​​​​​​​​​​​​ભાવનગર મહાનગરપાલિકાની પ્રીલિમિનરી ટી.પી. સ્કીમ 7 અધેવાડાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમ મંજૂર થવાને કારણે કુલ 11.32 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. બાગ-બગીચા, રમત-ગમત મેદાન તથા ખૂલી જગ્યા માટે 1.57 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 2.81 હેક્ટર્સ તેમજ આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુ માટે 4.57 હેક્ટર્સ જમીન મળશે. આ ઉપરાંત ભાવનગરની આ પ્રીલિમિનરી ટી.પી નં.7 અધેવાડામાં 2.94 હેક્ટર્સ જમીન પર 2600 EWS આવાસોના બાંધકામ માટે પણ જમીન મળશે.

બાવળામાં 8 હજાર EWS આવાસનું નિર્માણ થઈ શકશે
​​​​​​​​​​​​​​મુખ્યમંત્રીએ આ ત્રણ મહાનગર ઉપરાંત અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકાની ડ્રાફટ ટી.પી. સ્કીમ નં.4 (બાવળા)ને પણ મંજૂરી આપી છે. આ સ્કીમમાં કુલ 54.88 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થવાની છે. બાવળાની ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં. 4માં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર 25.64 હેક્ટર્સ, ખુલ્લાં મેદાનો-બાગ બગીચા માટે 7.81 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 11.26 હેક્ટર્સ તથા 8 હજાર જેટલાં EWS આવાસો માટે 8.95 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.

ટી.પી. સ્કીમ એટલે શું
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ટી.પી. સ્કીમ ગુજરાત ટી.પી. સ્કીમ એેક્ટ 1976 અન્વયે બનાવવામાં આવે છે. આ લેન્ડ પૂલિંગ મેથડમાં બધા જ જમીનમાલિકોની જમીન એકત્ર કરીને સામાન્ય રીતે 40 ટકા જમીન કપાતમાં લઇ 60 ટકા જમીનમાલિકને પરત આપવામાં આવે છે, જે 40 ટકા જમીન સંબંધિત સત્તામંડળ, એટલે કે મહાનગરપાલિકા કે શહેરી વિકાસ સત્તા મંડળોને પ્રાપ્ત થાય તે જમીનમાં રોડ-રસ્તા, બગીચા, મેદાન, EWS આવાસો, નેબરહૂડ સેન્ટર તેમજ આરોગ્ય અને શૈક્ષણિક હેતુની સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવી ટી.પી. સ્કીમ લોકોની સહમતી અને જનભાગીદારીથી બનાવવામાં આવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close