વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરને આપી વિકાસની નવી ભેટ, ₹426 કરોડનાં પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

એકતાનગર: Built India Media: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે એકતાનગરમાં પ્રવાસન અને માળખાકીય સુવિધાઓને લગતા ₹426.71 કરોડના કુલ 31 વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પૈકી ₹307.83 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 23 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ₹118.88 કરોડના 8 નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકાર્પણ થયેલા મુખ્ય પ્રોજેક્ટમાં ₹50 કરોડની IRCTC હોટેલ, ₹16 કરોડની એકતા ક્રૂઝ, રેઇન ફોરેસ્ટ, ઇકો-ટ્રેલ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પ્રવાસીઓની અવરજવર માટે ટ્રાવેલેટર્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું નવીનીકરણ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસરમાં ફેસાડ લાઇટિંગ, પરેડ ટ્રેક, રસ્તાઓનો વિકાસ અને અન્ય પ્રવાસન સુવિધાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે નવા પ્રોજેક્ટમાં ગોરા-ભાનદ્રા રોડનો વિકાસ, ખલવાણી બ્રિજ, કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડનનો સંકલિત વિકાસ, સ્માર્ટ ઝીરો વેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અને ખલવાણી ઇકો-ટુરિઝમનો સમાવેશ થાય છે.
વિકાસકાર્યોના કાર્યક્રમ બાદ વડાપ્રધાને એકતાનગરમાં રેઇન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ્સથી એકતાનગરમાં પ્રવાસન સુવિધાઓ, શહેરી માળખાકીય વ્યવસ્થા, પાણી અને ગટર વ્યવસ્થાપન તથા સ્થાનિક કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા



