રોડ-બ્રિજ સહિતના સરકારી પ્રોપર્ટીની સુરક્ષા માટે ‘એસેટ સેફ્ટી મોનિટરિંગ પોર્ટલ’ શરુ કરાશે.

ગુજરાત સરકારે મંગળવારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં રોડ, બ્રિજ, સરકારી ઈમારતો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટૂંક સમયમાં “એસેટ સેફ્ટી મોનિટરિંગ પોર્ટલ” શરૂ કરવામાં આવશે. આ પોર્ટલ મારફતે રાજ્ય સરકારના 1.50 લાખથી વધુ સરકારી એસેટ્સનું ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, આ પોર્ટલ દ્વારા રાજ્ય સ્તરે રોડ, બ્રિજ, ઈમારતો સહિતના તમામ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું એકીકૃત મોનિટરિંગ શક્ય બનશે, જેથી કોઈ પણ માળખું જાહેર સુરક્ષા માટે જોખમી બનતું પહેલાં જ તેની જાણ થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2025માં વડોદરા નજીક ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટના સૌથી ગંભીર ગણાય છે. લગભગ 40 વર્ષ જૂનો આ પુલ તૂટી પડતા અનેક વાહનો મહિસાગર નદીમાં ખાબક્યા હતા અને 22 લોકોના મોત થયા હતા.
હવે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ રાજ્યભરના 1.50 લાખથી વધુ જાહેર સંપત્તિઓ, જેમાં રોડ, બ્રિજ, સરકારી ઈમારતો અને અન્ય નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે, તેમને એક કેન્દ્રિય ડિજિટલ પ્લેટફોર્મ પર નોંધણી કરવામાં આવશે.

વધુમાં સરકારે જણાવ્યું છે કે દરેક એસેટ માટે GIS આધારિત લોકેશન, ફોટોગ્રાફ, જવાબદાર અધિકારીની માહિતી અને વિશિષ્ટ ડિજિટલ આઈડી આપવામાં આવશે, જેના કારણે આ સંપત્તિઓનું વૈજ્ઞાનિક અને સતત મોનિટરિંગ શક્ય બનશે. આ સિસ્ટમ ભવિષ્યમાં બાંધકામની પ્રક્રિયાને પણ ડેટા આધારિત બનાવશે.
આ પોર્ટલના અમલથી કોઈપણ માળખાની સાંધાકીય નબળાઈ, નિરીક્ષણમાં વિલંબ અથવા મરામતની જરૂરિયાત અંગેની બેદરકારી અટકાવવામાં મદદ મળશે. તેમાં ઓટોમેટેડ ઇન્સ્પેક્શન કેલેન્ડર અને રિયલ-ટાઈમ એલર્ટ સિસ્ટમ પણ રહેશે, જેના કારણે સમયસર કાર્યવાહી સુનિશ્ચિત થશે.
ગુજરાતની નવી વ્યવસ્થામાં ફિલ્ડ અધિકારીઓ આ ઈન્ટિગ્રેટેડ પોર્ટલ પર નિરીક્ષણ અહેવાલ અને ફોટોગ્રાફ અપલોડ કરશે. જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરો દ્વારા સાપ્તાહિક, માસિક અને ત્રિમાસિક સમીક્ષા કરવામાં આવશે. સાથે જ GADમાં સ્થાપિત એસેટ સેફ્ટી મોનિટરિંગ સેલ રાજ્ય સ્તરે દરરોજ મોનિટરિંગ કરીને મુખ્ય સચિવને નિયમિત અહેવાલ આપશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



