કચ્છના રણપ્રદેશમાં નિર્માણ પામશે, 165 કિ.મી. લાંબો હાઈવે કોરિડોર, કચ્છના વિકાસ માટે મહત્વપૂર્ણ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ કચ્છ જિલ્લામાં હાઈવે કોરિડોર નિર્માણ કરવા માટે 650.42 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ હાઈવે દ્વારા કચ્છના રણપ્રદેશ વિસ્તારના તમામ વિસ્તારોની કનેક્ટિવીટી વધશે.
કચ્છના રણની વચ્ચેથી પ્રસાર થતો 165.58 કિલોમીટરનો હાઈવેમાં લખપત–ગડુલી–જરા–હાજીપીર–ખાવડા–કંદાવન–ધોળાવીરા માર્ગને National Highway 754K પર પેવ્ડ શોલ્ડર સાથેના ટુ-લેન રોડ તરીકે વિકસાવવામાં આવશે. આ હાઈવે કચ્છના ઓછી વસ્તીવાળા વિસ્તારોમાંથી પસાર થાય છે અને જિલ્લાના પરિવહન અને કનેક્ટિવિટી સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે,“આ પ્રોજેક્ટથી કચ્છ અને ગુજરાતના અન્ય વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને આ વિસ્તારના આર્થિક તથા પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. વધુમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં દર વર્ષે ઘણા મોટા તહેવારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જેમાં દેશના વિવિધ ભાગોમાંથી પ્રવાસીઓ આવે છે. આ સ્થળોમાં પહોંચવા માટે આ કોરિડોર મહત્વપૂર્ણ છે, તેથી હાઈવેના અપગ્રેડથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે મુસાફરી વધુ સરળ બનશે.
કચ્છ દેશના મહત્વના મીઠા ઉત્પાદન અને ખનિજ ઉદ્યોગોના કેન્દ્રોમાંથી એક છે. સુધારેલી માર્ગ સુવિધાથી આ ઉદ્યોગો સાથે જોડાયેલા માલસામાનના પરિવહન અને વેપારને વધુ સુગમ બનાવશે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી વાહનોના ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થશે, ઈંધણની બચત થશે અને વાહનોની અવરજવર વધુ સરળ બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



