એસ.જી. હાઈવે પર સોલા સિવિલ હોસ્પિટલ જંકશન ખાતે નવી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં

અમદાવાદ: Built India Media: અમદાવાદના એસ.જી. હાઈવે પર સોલા સિવિલ હોસ્પિટલ જંકશન ખાતે ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે ટ્રાફિક પોલીસે નવી ‘કેપ્સ્યુલ સિસ્ટમ’ શરૂ કરી છે. આ વ્યવસ્થાથી વાહનચાલકોનો સિગ્નલ પરનો રાહ જોવાનો સમય આશરે 80 સેકન્ડ ઘટશે અને એમ્બ્યુલન્સને હોસ્પિટલ સુધી પહોંચવામાં સરળતા રહેશે.
નવી વ્યવસ્થા હેઠળ જંકશન પરનું જૂનું મિડિયન ઓપનિંગ બંધ કરીને બંને તરફ 100થી 150 મીટરના અંતરે નવા U-ટર્ન બનાવવામાં આવ્યા છે. હવે વાહનચાલકોએ સીધા જંકશન પરથી વળવાને બદલે આ U-ટર્નનો ઉપયોગ કરવો પડશે.
ટ્રાફિક DCP નરેશ કાંજરિયાના જણાવ્યા અનુસાર, અગાઉ વાહનચાલકોને સિગ્નલ પર 120 સેકન્ડ સુધી રાહ જોવી પડતી હતી, જ્યારે નવી સિસ્ટમથી જંકશન પાર કરવામાં આશરે 40 સેકન્ડ લાગશે. આથી 108 સહિતની એમ્બ્યુલન્સને પણ ટ્રાફિકમાં ઓછો વિલંબ થશે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, ટ્રાફિકની ભીડ અને સિગ્નલ પરનો વિલંબ ઘટાડવા માટે અમદાવાદમાં કુલ 30 સ્થળોએ કેપ્સ્યુલ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



