જૂનાગઢમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર, 22 મકાનો સહિત અનેક બાંધકામો તોડી પડાયાં

જૂનાગઢ: Built India Media: જૂનાગઢમાં સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા બે દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન અંદાજે ₹8 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
14 નવેમ્બરે ગાંધીગ્રામ વિસ્તારના સંજયનગર, સિંધિ સોસાયટી અને બ્રજ વિહાર સોસાયટી સહિત ચાર સ્થળોએ બુલડોઝરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી આશરે ₹2 કરોડની કિંમતની 1,500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. કોર્ટના આદેશના અનુસંધાને સવારે 9 વાગ્યે શરૂ થયેલી આ કામગીરી અંગે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી.

આ પહેલાં શુક્રવારે મહાબત મકબરા પાછળના બોગદા વિસ્તારમાં કાર્યવાહી કરીને સરકારી જમીન પર બનેલા 22 મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. આ કામગીરી દરમિયાન આશરે ₹6 કરોડની કિંમતની 1,425 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક દબાણો છેલ્લા 10થી 15 વર્ષથી અસ્તિત્વમાં હતાં.
ગાંધીગ્રામના વિરભાઈ પાડેડા વિસ્તારમાં પાંચમા સ્થળે થનારી કાર્યવાહી માનવીય કારણોસર હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વૃશાલી કામલના જણાવ્યા અનુસાર, ગાંધીગ્રામમાં કેટલાક દબાણો લગભગ એક દાયકાથી હતાં અને તેને દૂર કરવાની પ્રક્રિયા છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



