અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર અંતર્ગત મોરબીમાં ₹1,182 કરોડના ખર્ચે હાઇવે છ માર્ગીય બનશે

મોરબી: Built India Media: અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે મોરબી જિલ્લાના માલિયા-પીપળિયા વચ્ચેના નેશનલ હાઇવે-151Aના 24.51 કિમીના માર્ગને છ માર્ગીય બનાવવા માટે કેન્દ્ર સરકારે ₹1,182.40 કરોડની મંજૂરી આપી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે આ જાહેરાત કરી હતી.
હાલમાં આ માર્ગ બે લેનનો છે અને ભારે ટ્રાફિકને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રોજેક્ટ હેઠળ બાયપાસ, કોંક્રિટ સર્વિસ રોડ, એક ફ્લાયઓવર, ત્રણ વાહન અંડરપાસ (VUP) અને બે રેલવે ઓવરબ્રિજ (ROB) બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટથી નવલખી બંદર સુધીની કનેક્ટિવિટી સુધરશે તેમજ મોરબીના ઔદ્યોગિક અને કૃષિ વિસ્તારોમાં માલસામાનની હેરફેર સરળ બનશે. ખાસ કરીને નવલખી પોર્ટ, ધ્રોલ-અમરાણ-માળિયા વિસ્તાર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને લાભ થવાની અપેક્ષા છે.
હાઇવેનું વિસ્તરણ મુસાફરીનો સમય, વાહનચાલન ખર્ચ અને ટ્રાફિક વિલંબ ઘટાડવામાં મદદરૂપ થશે. ઉપરાંત, દેશની બે મોટી રિફાઇનરીમાંથી પેટ્રોકેમિકલ ઉત્પાદનો ઉત્તર ભારતનાં રાજ્યો સુધી પહોંચાડવામાં પરિવહન વધુ ઝડપી બનશે. આ પ્રોજેક્ટથી મોરબી-રાજકોટ ક્ષેત્રમાં વેપાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સને વેગ મળવાની અપેક્ષા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



