વડોદરાના બાજવામાં ₹80 કરોડના ખર્ચે બનશે 880 મીટર લાંબો રેલવે ઓવરબ્રિજ

વડોદરા: Built India Media: બાજવા અંડરપાસ પર ચોમાસા દરમિયાન પાણી ભરાવાની અને ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા ₹80 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. રેલવે વિભાગની મંજૂરી મળ્યા બાદ આ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરવામાં આવશે.
પ્રસ્તાવિત બ્રિજ આશરે 880 મીટર લાંબો અને ત્રણ લેનનો હશે, જ્યારે તેની કેરેજવેની પહોળાઈ 11.50 મીટર રહેશે. ભૂકંપ સામે સુરક્ષા વધારવા માટે બ્રિજની ડિઝાઇનમાં M40 ગ્રેડના RCC સિસ્મિક અરેસ્ટર્સ જેવી તકનીકી વ્યવસ્થાઓનો પણ સમાવેશ કરાશે.

આ ઓવરબ્રિજથી ગોરવા GIDC, GSFC, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરી અને IPCL જેવા ઔદ્યોગિક વિસ્તારોની કનેક્ટિવિટી સુધરશે. સાથે જ ડુમાડ અને સમા જેવા વિકસતા રહેણાક વિસ્તારોના લોકોને પણ અવરજવરમાં સરળતા મળશે. ઔદ્યોગિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને માલવાહક વાહનોને ખાસ લાભ થવાની અપેક્ષા છે.
VMC સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરપર્સન વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે રેલવે વિભાગ સાથે જરૂરી મંજૂરી માટે સંકલન ચાલી રહ્યું છે. મંજૂરી મળ્યા બાદ બાંધકામ શરૂ થશે. બ્રિજ બનવાથી ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાય ત્યારે પણ વાહનવ્યવહાર ચાલુ રાખી શકાશે અને મુસાફરીનો સમય તથા ઇંધણનો વપરાશ ઘટશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



