
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના જણાવ્યાનુસાર, જાન્યુઆરી-માર્ચ 2025ના સમયગાળામાં દેશના આઠ મુખ્ય શહેરોમાં મકાનોનું વેચાણ 2% વધ્યું, જે 88,274 એકમો પર પહોંચ્યું છે. શહેરોમાં મિશ્ર પ્રદર્શન છતાં રહેણાંક મિલકતોની માંગ સ્થિર રહી છે, જેમાં મુંબઈ અને પૂણેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી, જ્યારે દિલ્હી-એનસીઆર અને બેંગલુરુમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, અમદાવાદમાં માર્કેટ સ્થિત રહ્યું છે.

ગુરુવારે, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ તેનો રિપોર્ટ ‘ઈન્ડિયા રિયલ એસ્ટેટ: રેસિડેન્શિયલ એન્ડ ઓઈસ (જાન્યુઆરી-માર્ચ 2025)’ રજૂ કર્યો હતો, જેમાં દેશના આઠ મુખ્ય શહેરોના પ્રાથમિક (પ્રથમ વેચાણ) હાઉસિંગ બજારોમાં માંગમાં સ્થિરતા દર્શાવવામાં આવી છે.
વધુમાં નાઈટ ફ્રેન્કે જણાવ્યું હતું કે, જ્યારે એકંદરે રહેણાંક વેચાણ સ્થિર રહ્યું હતું, ત્યારે મુખ્ય બજારોમાં કામગીરી બદલાતી રહી હતી, તેમણે ઉમેર્યું હતું કે આઠ ટ્રેક કરેલા શહેરોમાંથી ચાર શહેરોમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ત્રણ શહેરોમાં વધારો જોવા મળ્યો હતો. નીચે મુજબ છે.

આઠ શહેરોમાં, જાન્યુઆરી-માર્ચ 2025માં મુંબઈમાં રહેણાંક વેચાણ 5 ટકા વધીને 24,930 યુનિટ થયું હતું. જ્યારે ગુજરાતની આર્થિકનગરી અમદાવાદમાં જાન્યુઆરી-માર્ચ સમયગાળા દરમિયાન રહેણાંક મિલકતોનું વેચાણ 4,687 યુનિટ રહ્યું હતું.પૂણેમાં વેચાણમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો અને તે 14,231 યુનિટ થયું, જ્યારે ચેન્નાઈમાં 10 ટકાનો વધારો થઈને 4,357 યુનિટ થયું. જોકે, દિલ્હી-એનસીઆરમાં વેચાણ જાન્યુઆરી-માર્ચમાં વાર્ષિક ધોરણે 8 ટકા ઘટીને 14,248 યુનિટ થયું. બેંગલુરુમાં વેચાણમાં 5ટકાનો ઘટાડો જોવા મળ્યો અને તે 12,504 યુનિટ થયું, જ્યારે હૈદરાબાદમાં 1 ટકાનો ઘટાડો થઈને 9,459 યુનિટ થયું. કોલકાતામાં, મકાનોનું વેચાણ 2 ટકા ઘટીને 3,858 યુનિટ થયું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.