વડાપ્રધાન 11મે ગુજરાત મુલાકાતે આવે તેવી સંભાવના, ગાંધીનગરમાં યોજાનાર BRICS બેઠકમાં રહેશે ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ ગુજરાત પ્રવાસે આવે તેવી સંભાવના છે. ગાંધીનગરમાં 11 અને 12 મે દરમિયાન BRICS દેશોની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં વડાપ્રધાન મોદી 11 મેના રોજ હાજરી આપી શકે છે. બેઠક The Leela Gandhinagar ખાતે યોજાવાની શક્યતા છે. જેને રાજ્ય માટે મહત્વપૂર્ણ રાજનૈતિક ઈવેન્ટ તરીકે જોવામાં આવી રહી છે.

BRICS ગઠબંધનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશોનો સમાવેશ થાય છે અને હાલમાં ભારત તેની અધ્યક્ષતા સંભાળી રહ્યું છે. બેઠકમાં વૈશ્વિક નીતિ દિશા, આર્થિક સહકાર, નવી ટેક્નોલોજી, નવીનતા અને ભવિષ્યના વિકાસ માળખા અંગે ચર્ચા થવાની છે.
આ ઉપરાંત, વડોદરામાં વડાપ્રધાન સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે તેવી શક્યતા છે. સરદારધામ દ્વારા વડોદરા નેશનલ હાઈવે-8 પર વાગોડિયા રોડ નજીક નોલેજ સિટી પાસે આશરે ₹150 કરોડના ખર્ચે બનેલું આ રહેણાંક અને શૈક્ષણિક સંકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



