સરકાર દ્વારા જંત્રીના દરોમાં કરાયેલો વધારો, મકાન ખરીદનારાઓ માટે બનશે અડચણરુપ
ગુજરાતીમાં એક કહેવત છે કે, એક સાંધે….અને તેર તૂટે… અર્થાત….એક મુશ્કેલી કે સમસ્યાનો ઉકેલ આવ્યો હોય. ત્યાં અન્ય મુશ્કેલીઓ કે સમસ્યાઓ સામે આવે. આવી સ્થિતિ ઘર ખરીદનાર ગ્રાહકોની અને ઘર નિર્માણકર્તા બિલ્ડરોની થઈ છે. આવી સ્થિતિમાં ઘરનું ઘર આપનાર રાજ્ય સરકારે, કંઈક એવો રસ્તો કાઢવો જોઈએ કે, ઘરનું ઘર ખરીદનાર ગ્રાહકો જંત્રીના દરોના ધરખમ વધારામાં દબાઈ ના જાય.
હાલ સમગ્ર ગુજરાતમાં જંત્રી શબ્દે…રિયલ એસ્ટેટ માર્કેટમાં એક ભયનો માહોલ ઊભા કરી દીધો છે. કારણ કે, રાજ્ય સરકારે 20 નવેમ્બર-2024 ના રોજ જંત્રીના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેર કરી હતી અને 30 દિવસમાં તે અંગેના વાંધા- સૂચનો મંગાવ્યા છે. ત્યારબાદ, જંત્રીનો વધારો અમલમાં મૂકવામાં આવશે તેવું જાહેર કર્યું છે. રાજ્યના આઠ મહાનગરોના શહેરી વિસ્તારોમાં જંત્રીનો દર ચાર ગણો અને ગ્રામિણ વિસ્તારોમાં બે ગણો વધારો કરવાની જાહેરાત કરી છે. જંત્રીના દરોમાં આ પ્રકારના ધરખમ વધારાથી રિયલ એસ્ટેટ માર્કેટ પર માઠી અસરો પડશે તેવું બિલ્ડરો જણાવી રહ્યા છે.
બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, અમદાવાદના કેટલાક બિલ્ડર્સ સાથે મુલાકાત કરીને, જાણ્યું કે, જંત્રીના રેટમાં ધરખમ વધારાથી માર્કેટમાં સ્થિતિ શું થશે. જેમાં અમને જવાબો મળ્યા કે, જો સરકાર જંત્રીના રેટમાં કોઈ સુધારો નહિં લાવે અથવા તો, રાહત નહીં આપે તો, રીયલ એસ્ટેટ માર્કેટ તૂટી જશે અને એન્ડ યૂઝર્સ ગ્રાહકો પોતાનું મકાન કે ફ્લેટ ખરીદી શકે નહીં અને સામે બિલ્ડરોને પણ તકલીફ પડશે.
અમદાવાદના જાણીતા એ. શ્રીધર ગ્રુપના ચેરમેન અજય શ્રીધરે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે, જંત્રીના દરોમાં એક સાથે વધારો કરવો જોઈએ નહી. પરંતુ, ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જે રીતે, દર વર્ષે જંત્રીના દરમાં વધારો કરવામાં આવે છે, તે રીતે કરવો જોઈએ. તો, હાલ માર્કેટમાં જંત્રીના દરોને લઈને ભયનો માહોલ સર્જાયો તે ના સર્જાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ માટે લેવામાં આવતી વધારાની FSI પર લગાવવામાં આવતો 40 ટકા ચાર્જમાં ઘટાડો કરવો જોઈએ અને સમગ્ર શહેરમાં ફિક્સ જ કરવો જોઈએ.
તો, ટ્રોગોન ગ્રુપના એમડી મહેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જંત્રીના દરમાં વધારો દર વર્ષે કરવો જોઈએ જેથી, બિલ્ડર્સ અને ગ્રાહકો પર જંત્રીના દરોમાં થતો વધારાનું ભારણ ના પડે. તેમ જ પ્રોજેક્ટ નિર્માણ કરવા માટે જે ચાર્જેબલ FSI હોય છે તેના પર રોડની પહોળાઈ અને બિલ્ડિંગ ઊંચાઈ પર જે પ્રિમિયમ ચાર્જ કરવામાં આવે છે તેમાં ઘટાડો કરવો જોઈએ. વધુમાં મહેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સરકારે, સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવો જોઈએ. જો આવું સરકાર કરશે ગ્રાહકોને મકાનો ખરીદવામાં સહાયરુપ બનશે.
નોંધનીય છે કે, રિયલ એસ્ટેટ માર્કેટમાં જંત્રી ખૂબ જ મહત્વની છે, કારણ કે, જમીન ખરીદીનો મુખ્ય આધાર જંત્રીના દરો પર જ હોય છે. ત્યારે, જંત્રીના દરોમાં વધારો થાય ત્યારે, જમીનની કિંમત અને પ્રોપર્ટી મિલકતોની કિંમતો પર અસર થાય છે. એટલે કે, જંત્રીના દરોમાં વધારો થવાથી પ્રોપર્ટીની કિંમતોમાં અંદાજે 25 ટકા કરતાં પણ વધારો થઈ શકે છે.
20 નવેમ્બરના રોજ રાજ્ય સરકારે જંત્રીના દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જંત્રીના દરોમાં વધારો કરવાની માંગણી ખેડૂતોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ અનેકવાર કરી હતી. તેમજ અનેક સંસ્થાઓ, વિવિધ સંગઠનો તરફથી પણ રજૂઆતો બાદ, વાસ્તવિક ભાવો દર્શાવતી જંત્રી તૈયાર કરવા તેમણે નિર્દેશો આપ્યા હતા. પરિણામે, રાજ્ય સરકારે પ્રસ્તુત ડ્રાફ્ટ જંત્રી-2024 મુદ્દે હિતધારકો અને ખેડૂતોને જિલ્લા કલેક્ટરની કમિટી સમક્ષ વાંધા સૂચનો રજૂ કરવા તક આપવામાં આવી છે.
30 દિવસમાં જંત્રી અમલ કરવા અંગેના વાંધાઓ અને સૂચના પ્રાપ્ત થયા બાદ, રાજ્ય સરકાર વાંધા–સૂચનોને આધારે જિલ્લા કમિટીઓના પૃથ્થકરણ અહેવાલો બાદ, રાજ્ય સરકાર સંભવિત 1 એપ્રિલ-2025થી નવી જંત્રી અમલમાં મૂકાશે તેવી સંભાવના રહેલી છે.
નોંધનીય છે કે, મહેસૂલ વિભાગે એપ્રિલ-2023માં જ વર્ષ 2011થી જંત્રીના દરો બમણા કર્યા હતા. જે હાલમાં અમલમાં છે. હવે પછી અમલમાં આવનારા સૂચિત જંત્રીના ડ્રાફ્ટમાં એપ્રિલ-2023ના રેટના સાપેક્ષમાં સાત મહાનગરોમાં દોઢથી ચાર ગણા જંત્રીના રેટ વધારવામાં આવ્યા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં દોઢથી બે ગણો વધારો કરવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.