યાયાવર પક્ષીઓ આકર્ષતા શીલજ તળાવને મિનિ નળસરોવર બનવાશે
Sheelaj Lake will become a mini Nalsarovar attracting migratory birds
અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના છેવાડે આવેલા શીલજ ગામના તળાવને એક અધતન ડિઝાઈન દ્વારા રૂ. પાંચ કરોડના ખર્ચે વિકાસ કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય કર્યો છે અને આ વિકાસકામોની નળસરોવરની સમકક્ષ ખાસ ડિઝાઇન તૈયાર કરવા ડિઝાઇન કન્સલ્ટન્સની નિમણૂક પણ કરવામાં આવશે.
એક અંદાજે દશ હેક્ટરમાં પથરાયેલા શીલજ ગામના વિશાળ તળાવને વસ્ત્રાપુર તળાવ અને કાંકરિયા લેકફ્રન્ટની જેમ સૌંદર્યલક્ષી ડિઝાઈન દ્વારા વિકાસ કરવામાં આવશે જેમાં કાંકરિયા તળાવની જેમ તમામ બાજુએથી બંધિયાર બનાવીને તળાવની પાળ પર વિશિષ્ટ પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે, બાળકો આનંદપ્રમોદ કરી શકે તેવો ચિલ્ડ્રન પાર્ક હશે. આ ચિલ્ડ્રનપાર્કમાં બાળકો માટેના વિવિધ સાધનો ગોઠવવામાં આવશે એમ સિનિયર સિટિઝનપાર્ક પણ ઊભો કરવામાં આવશે, જેમાં સિનિયર સિટીઝનો માટે ખાસ બેઠક વ્યવસ્થા અને વાંચનાલય પણ હશે.
શહેરના તળાવોના વિકાસનો હવાલો સંભાળતા એડિશનલ સિટી ઇજનેર શ્રીમતી રેખાબહેન ત્રિવેદીએ એમ જણાવ્યું કે શીલજ તળાવ વિશાળ સરોવર જેવું છે તેના વિકાસ માટે અલગ અલગ રીતે પ્રોજેક્ટો અમલી બનાવાશે. જેમાં આરોગ્યવન ઊભું કરાશે. આ આરોગ્યવનમાં આરોગ્યને લગતી ઔષધિઓના વૃક્ષો હશે એ સાથે જુદા જુદા ફૂલોનો બગીચો હશે. તળાવમાં બારે માસ પાણી રહે તે માટે મિનિ વોટર પ્લાન્ટ નાંખવામાં આવશે. કેમ કે આ શીલજ તળાવમાં ચોમાસામાં નળસરોવરની જેમ યાયાવર પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં આવે છે, એટલે શીલજ તળાવ મિનિ નળસરોવર જેવું બની રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
9 Comments