ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે: ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી પસાર થતા એક્સપ્રેસ વે પર ઈ-વ્હિકલ માટે 4 લેન હશે.
greenfield express way
દિલ્હીથી મુંબઈ વચ્ચે નિર્માણાધીન 1350 કિ.મી. લાંબા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સમય તો બચાવશે જ સાથે જ પ્રદૂષણ પણ ઘટાડશે. 1 લાખ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા આ એક્સપ્રેસ-વે પર 350 કિ.મી. સુધીનું કામ થઈ ગયું છે. હાલ 8 લેન બનાવાઈ રહી છે. ઉપરાંત 4 લેન હજુ વધારવામાં આવશે. 2 જવા માટે અને 2 આવવા માટે. આ 4 લેન ફક્ત ઈલેક્ટ્રિક વ્હિકલ માટે હશે. આ દેશનો પ્રથમ એક્સપ્રેસ-વે હશે જેના પર ડેડિકેટેડ ઈલેક્ટ્રિક વ્હિકલ ફોરલેન હશે. એક્સપ્રેસ-વેના કિનારે નવી ઔદ્યોગિક ટાઉનશિપ અને સ્માર્ટ સિટી બનાવવાનો પણ પ્રસ્તાવ છે. તેનો સરવે ચાલુ છે. સંપૂર્ણ રુટ પર 92 સ્થળોએ ઈન્ટરવલ સ્પૉટ ડેવલપ કરાશે. માર્ગ તથા પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે એક્સપ્રેસ-વેનું કામ જાન્યુઆરી 2023 સુધી પૂરું થઈ જશે. જોકે કોરોનાને લીધે કામમાં વિલંબ થયો હતો.
મુંબઈથી દિલ્હી સુધીનું અંતર 13 કલાકમાં કપાઇ જશે, હાલ 25 કલાક લાગે છે
એક્સપ્રેસ-વે બનતા દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર 150 કિ.મી. સુધી ઘટી જશે. ફક્ત 13 કલાકમાં અંતર કપાઇ જશે. હાલ બાય રોડ દિલ્હીથી મુંબઈ પહોંચવામાં 25 કલાક લાગે છે. દિલ્હીથી મુંબઈને જોડનાર એનએચ-8 પર હાલ વાહનોનું વધારે પડતું દબાણ છે. તેના પર રોજ 1 લાખ વાહન અવર-જવર કરે છે. આ વાહનો એક્સપ્રેસ-વે પર શિફ્ટ થશે.
એક્સપ્રેસ-વેથી દર વર્ષે 32 કરોડ લીટર ઈંધણ બચશે
- સુરક્ષા માટે રોડના બંને છેડે 1.5 મીટર ઊંચી દીવાલ બનાવાશે.
- ટોલ પ્લાઝા હાઈવેની જગ્યાએ સ્લિપ લેનમાં બનશે જેથી જે શહેરમાં જશો, એટલું જ ટોલ લાગશે.
- દર 2.5 કિ.મી. બાદ પશુઓ માટે ઓવર પાસ બનાવાશે. દર 500.મીટર પર એક અંડરપાસ હશે.
- દર 50 કિ.મી.એ બંને તરફ ફેસિલિટી સેન્ટર હશે. ત્યાં રેસ્ટોરાં, ફૂડ કોર્ટ, સુવિધા સ્ટોર, ઈંધણ સ્ટેશન, ઈવી ચાર્જિંગ પોઇન્ટ અને શૌચાલય વગેરે રહેશે.
- એક્સપ્રેસ વે પર ગાડીઓ માટે 120 કિ.મી./કલાકની સ્પીડ નક્કી કરાશે.
- લાઈટો સોલર પાવરથી ચાલશે. વરસાદનું પાણી એકત્રિત કરવા હાર્વેસ્ટિંગ સિસ્ટમ બની રહી છે.
- આ હાઇવેથી દર વર્ષે 32 કરોડ લીટર ઈંધણ બચશે, વાર્ષિક 85 કરોડ કિલો કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટશે.
રણથંભોર ટાઈગર રિઝર્વમાં વિશેષ કોરિડોર બનશે
રણથંભોર ટાઈગર રિઝર્વમાં વાઘની અવર-જવરમાં ખલેલ ન પહોંચે તેના માટે 53.4 કિ.મી. લાંબો કોરિડોર બનશે. આવું પહેલીવાર થઇ રહ્યું છે કે ટાઇગર રિઝર્વ પાસે 3 મીટર ઊંચી દીવાલવાળું કોરિડોર બનાવાઈ રહ્યું છે. તે સાઉન્ડપ્રૂફ તો હશે જ સાથે વન્યજીવોને રોડ પર આવતા અટકાવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
4 Comments