અમદાવાદમાં મેટ્રો ફેઝ-3ને વેગ: થલતેજથી ગોધાવી સુધી 7 કિમીના કોરિડોર માટે AUDAની મંજૂરી

અમદાવાદ: Built India Media: અમદાવાદમાં મેટ્રો નેટવર્કના વિસ્તરણને વેગ આપવા AUDA દ્વારા થલતેજથી ગોધાવીના સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરેના (SWASA) સુધીના 7 કિમીના પ્રસ્તાવિત મેટ્રો કોરિડોર માટે ઝોનિંગ ફેરફાર અને રસ્તા પહોળા કરવાની મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને આ કોરિડોરનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના મેટ્રો રૂટ ફેઝ-3નો આ કોરિડોર અંબલી-શીલજ, બોપલ, ઘુમા, મણિપુર અને ગોધાવીના વિસ્તારોમાંથી પસાર થશે. રૂટ પર મણિપુર અને ગોધાવીમાં મેટ્રો સ્ટેશન બનાવવાનું આયોજન છે. દરેક સ્ટેશન આશરે 140 મીટર લાંબું અને 22 મીટર પહોળું હશે. સ્ટેશનની સુવિધા માટે 18 મીટર પહોળા રસ્તાને 24 મીટર સુધી પહોળો કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

મણિપુરના જનરલ એગ્રીકલ્ચર ઝોન-1ની જમીનને રેસિડેન્શિયલ ઝોન-2માં ફેરવવાની મંજૂરી AUDA દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની કલમ 19 હેઠળ આપવામાં આવી છે. ગોધાવી અને મણિપુરમાં સ્ટેશનના પ્રવેશ-નિકાસ માર્ગો માટે ટાઉન પ્લાનિંગ સ્કીમની જમીન તથા સરકારી જમીનનો ઉપયોગ કરવાની પણ યોજના છે.
આ મંજૂરીઓથી મેટ્રો કોરિડોર માટે જરૂરી જમીન અને માર્ગની સુવિધાઓ ઊભી કરવામાં મદદ મળશે તેમજ જમીન સંપાદનની જરૂરિયાત મર્યાદિત રાખી શકાશે. AUDAની 6 નવેમ્બરની બોર્ડ બેઠકમાં આ દરખાસ્ત અંગે ચર્ચા થઈ હતી. અગાઉ 14 ઓગસ્ટ, 2026ની બેઠકમાં ગોધાવી, મણિપુર અને શીલજમાં 90 મીટર તથા 36 મીટર પહોળા રસ્તા વિકસાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી, જે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા



