ગુજરાતના 14 આદિવાસી જિલ્લાઓમાં ₹2,284 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

છોટાઉદેપુર: Built India Media: જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 14 આદિવાસી જિલ્લાઓમાં ₹2,283.97 કરોડનાં વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાયો હતો.
આ વિકાસકાર્યોમાં પાણી પુરવઠો, સિંચાઈ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન અને વન-પર્યાવરણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આશરે ₹1,017 કરોડનાં વિવિધ કામો ઉપરાંત આદર્શ નિવાસી શાળાઓ, હોસ્ટેલ, એકલવ્ય મોડેલ સ્કૂલ અને નવી ગુજરાત નિવાસી શાળાઓ જેવી શૈક્ષણિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

મુખ્યમંત્રીએ રાજ્યભરના 18,828 લાભાર્થીઓને વન અધિકાર પ્રમાણપત્રો મંજૂર કર્યા હતા અને 14 આદિવાસી જિલ્લાઓમાં પ્રકૃતિ કૃષિ આધારિત વાડી સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આગામી પાંચ વર્ષમાં આદિવાસી વિસ્તારોમાં ₹2 લાખ કરોડનાં વિકાસકાર્યોનું આયોજન હોવાનું પણ જણાવ્યું હતું.
છોટાઉદેપુરને સ્પોર્ટ્સ અને ફૂડ પ્રોસેસિંગ હબ તરીકે વિકસાવવાની જાહેરાત સાથે આદિવાસી મહિલાઓ અને સ્થાનિક કારીગરોની આજીવિકા માટે શબરી બૂથ અને જોહાર કેફે શરૂ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં 12 સાયન્સ કોલેજ, 2 યુનિવર્સિટી, 12 મેડિકલ કોલેજ, 57 એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ અને 22,500થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ કાર્યરત હોવાની માહિતી પણ મુખ્યમંત્રીએ આપી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



