બનાસ નદી પર રૂ. 581 કરોડના ફિશ સ્કેલ વીયર ડેમને રાજ્ય સરકારની મંજૂરી

ગાંધીનગર: Built India Media: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામ નજીક બનાસ નદી પર ફિશ સ્કેલ વીયર ડેમ બનાવવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ બનાસ નદીના વધારાના પાણીનો સંગ્રહ કરવામાં આવશે, જેનાથી ભૂગર્ભ જળસ્તર વધારવામાં મદદ મળશે. ડીસા અને કાંકરેજ તાલુકાનાં આશરે 100 ગામોને તેનો લાભ મળવાની શક્યતા છે.
શરૂઆતમાં આ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ ચેકડેમ બનાવી પાણી સંગ્રહ કરવાની યોજના હતી. જોકે, નદીના પટની વિશાળ પહોળાઈને ધ્યાનમાં રાખીને IIT રૂરકીના સહયોગથી ફિશ સ્કેલ સ્ટેપ્ડ વીયર ડેમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસ નદીમાં ભૂગર્ભ જળ રિચાર્જની સારી સંભાવનાને કારણે આ પ્રોજેક્ટથી સકારાત્મક પરિણામો મળવાની અપેક્ષા છે.

ડેમ 500 મીટર પહોળો અને સાત સ્ટેપના લેવલ ધરાવતો હશે. દાંતીવાડા અને સીપુ ડેમમાંથી છોડવામાં આવતું પાણી તેમાં સંગ્રહિત થશે. ડેમની ઉપરવાસમાં આશરે 2.72 કિલોમીટર લાંબું જળાશય તૈયાર થશે. ઉપરાંત, ડેમના ઉત્તર કાંઠે 4,795 મીટર લાંબો વિશાળ પાળો બનાવવામાં આવશે.
મહાદેવિયા ગામ નજીક બનાસ નદી પર આ ડેમનું બાંધકામ વર્ષ 2029 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ તેની ફાઇનલ ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી છે. પ્રોજેક્ટના બીજા તબક્કામાં સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવાનું પણ આયોજન છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



