અમદાવાદ મેટ્રો ફેઝ-IIIને PIBની મંજૂરી, હવે મેટ્રો કરશે ધોલેરા એરપોર્ટને કનેક્ટ.

અમદાવાદ: Built India Digital
પ્રસ્તાવિત થલતેજ ગામ–સાણંદ કોરિડોરને બદલે થલતેજ ગામ–સનાથલ કોરિડોરના બદરાબાદ સુધીના ફેઝ-III વિસ્તરણને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (PIB)ની મંજૂરી મળી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા પ્રી-કન્સ્ટ્રક્શન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની અંતિમ મંજૂરી બાદ મેટ્રોનું બાંધકામ શરૂ થશે.
લગભગ 60 કિમીના આ વિસ્તરણથી ભવિષ્યમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી માટેનો પાયો તૈયાર થશે. અધિકારીઓના જણાવ્યાનુસાર આ વિસ્તરણ રાજ્યના લાંબાગાળાના પરિવહન વિઝન સાથે સુસંગત છે અને મેટ્રો કોરિડોરને અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસવેની વધુ નજીક લાવશે.

કોરિડોર શિલજ કેનાલ રોડ વિસ્તારથી શરૂ થઈ સરદાર પટેલ રિંગ રોડની સમાંતર પસાર થશે. આ માર્ગ બોપલ ક્રોસ રોડ, શાંતિપુરા ક્રોસ રોડ થઈ બદરાબાદ સુધી પહોંચશે. આ એલાઈનમેન્ટ થલતેજ ગામને સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરેના (SWASA), ગોધાવી સાથે પણ જોડશે. શિલાજ ક્રોસ રોડ નજીક ઝડપથી વિકસી રહેલા કેનાલ રોડ વિસ્તારને આવરી લીધા બાદ આ માર્ગ રેલવે લાઇનની સમાંતર આગળ વધીને SWASA સુધી પહોંચશે.
હવે આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી, જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ, જમીન સંબંધિત કાર્યવાહી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સિવિલ બાંધકામ શરૂ થશે.
પ્રસ્તાવિત ફેઝ-III મેટ્રો નેટવર્કમાં કુલ 41 એલિવેટેડ સ્ટેશનો હશે. આ નેટવર્કને અમદાવાદના ઉભરતા રહેણાંક, કોમર્શિયલ અને સંસ્થાકીય વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સાથે જ અનેક ઇન્ટરચેન્જ સ્ટેશનો દ્વારા તેને હાલની અમદાવાદ મેટ્રો સિસ્ટમ સાથે જોડવામાં આવશે.

કેન્દ્રની મંજૂરીની રાહ, તૈયારીઓ શરૂ
ફેઝ-III પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પ્રોજેક્ટનો સમય ઘટાડવા માટે પ્રી-કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરી દીધી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટના અમલીકરણમાં ઝડપ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અધિકારીઓના જણાવ્યાનુસાર ડિટેઇલ્ડ ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ(DDCs)ની નિમણૂક થઈ ચૂકી છે, જે એલાઈનમેન્ટ અને સ્ટ્રક્ચરલ ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપશે. જિયોટેક્નિકલ તપાસ ચાલી રહી છે, જ્યારે યુટિલિટી મેપિંગ અને યુટિલિટી ડાયવર્ઝન માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. કેટલાક ટેન્ડરો એવોર્ડ થવાની અંતિમ પ્રક્રિયામાં છે.
ફેઝ-III એક નજરમાં
- સ્થિતિ: PIBની મંજૂરી મળી, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાકી
- કુલ નેટવર્ક: આશરે 60 કિમી
- એલિવેટેડ સ્ટેશનો: 41
- મુખ્ય કોરિડોર: થલતેજ ગામ–SWASA (ગોધાવી)–બદરાબાદ
- સનાથલ વિસ્તરણ: અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસવે નજીક બદરાબાદ સુધી
- ભવિષ્યનું વિસ્તરણ: બદરાબાદથી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટીનો પ્રસ્તાવ
- નવો સર્ક્યુલર કોરિડોર: વાડજ–વાડજ લૂપ, જે અમદાવાદના પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ વિસ્તારોને જોડશે
- મુખ્ય ઇન્ટરચેન્જ: ગુજરાત યુનિવર્સિટી, APMC, અમરાઈવાડી અને વાડજ
- પ્રી-કન્સ્ટ્રક્શન કામગીરી: ડિટેઇલ્ડ ડિઝાઇન, જિયોટેક્નિકલ તપાસ અને યુટિલિટી ડાયવર્ઝનની કામગીરી શરૂ
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



