GujRERA પોર્ટલ પર બિલ્ડરોનો ટ્રેક રેકોર્ડ જોવા મળશે, ખરીદદારોને મળશે મહત્વની માહિતી

અમદાવાદ: Built India Media: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) પોતાના વેબ પોર્ટલ પર નવું ‘Promoter’s Track Record’ વિભાગ શરૂ કરવા જઈ રહી છે. આ સુવિધાથી મિલકત ખરીદતાં પહેલાં ખરીદદારો બિલ્ડર કે ડેવલપરના અગાઉના પ્રોજેક્ટ્સ, ફરિયાદો, ચુકાદાઓ અને દંડની વિગતો ચકાસી શકશે.
નવા વિભાગમાં સંબંધિત ડેવલપરે ગુજરાતમાં હાથ ધરેલા અન્ય પ્રોજેક્ટ્સની માહિતી પણ ઉપલબ્ધ થશે. સાથે જ તેની સામે થયેલી ફરિયાદો, નિયમોના ભંગ બદલ લેવામાં આવેલી કાર્યવાહી, લાદવામાં આવેલા દંડ અને પ્રોજેક્ટના પ્રોગ્રેસ રિપોર્ટની વિગતો પણ જોવા મળશે.

હાલમાં GujRERAના પોર્ટલ પર 17 હજારથી વધુ નોંધાયેલા પ્રોજેક્ટ્સની માહિતી ઉપલબ્ધ છે. ખરીદદારો પ્રોજેક્ટનું નામ અથવા RERA રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને તેની વિગતો મેળવી શકે છે. પોર્ટલ પર પ્રોજેક્ટના મંજૂર નકશા, કાર્પેટ એરિયા, બાંધકામની પ્રગતિ, યુનિટ બુકિંગની સ્થિતિ, પૂર્ણતાની તારીખ અને વેચાણ કરાર સંબંધિત દસ્તાવેજો પણ ઉપલબ્ધ છે.
આ નવી સુવિધાથી ખરીદદારોને મિલકત ખરીદતાં પહેલાં ડેવલપરનો ભૂતકાળ અને વિશ્વસનીયતા તપાસવામાં સરળતા રહેશે. આ પહેલથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધશે અને ગ્રાહકો વધુ માહિતીસભર નિર્ણય લઈ શકશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



