સુરત રેલવે સ્ટેશન પર ડિસેમ્બરથી 80 દિવસનો મેગા બ્લોક, 139 ટ્રેનોના સ્ટેશન બદલાશે

સુરત: Built India Media: મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) પ્રોજેક્ટ હેઠળ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1નું નવેસરથી નિર્માણ કરવામાં આવશે. આ કામગીરીને કારણે ડિસેમ્બરથી આશરે 80 દિવસનો મેગા બ્લોક અમલમાં આવશે.
હાલમાં પ્લેટફોર્મ નંબર 1 પરથી દોડતી 139 ટ્રેનોમાંથી 89 ટ્રેનો ઉધના સ્ટેશન અને 50 ટ્રેનો ઉત્રાણ સ્ટેશન પર ખસેડવામાં આવશે. જ્યારે વંદે ભારત, રાજધાની અને શતાબ્દી સહિતની 44 ટ્રેનો સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી ચાલુ રહેશે.

મેગા બ્લોકની ચોક્કસ શરૂઆતની તારીખ એક અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. કામગીરી દરમિયાન મુસાફરોએ ટ્રેનના બદલાયેલા સ્ટોપેજની માહિતી મેળવીને ઉધના અથવા ઉત્રાણ સ્ટેશન સુધી પહોંચવાની વ્યવસ્થા કરવી પડશે.
પ્લેટફોર્મનું કામ ચાર તબક્કામાં પૂર્ણ કરાશે. શરૂઆતના 25 દિવસમાં જૂની સુવિધાઓ અને પ્લેટફોર્મ દૂર કરવાની કામગીરી થશે. ત્યારબાદ 26થી 62 દિવસ દરમિયાન કોન્કોર્સના બીમ અને પિલર સહિતનું સિવિલ-સ્ટ્રક્ચરલ કામ થશે, જ્યારે અંતિમ 18 દિવસમાં બાકી કામગીરી પૂર્ણ કરીને વિસ્તારને ફરી કાર્યરત કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: અમદાવાદ મિરર



