હાશ ! બોપલ, ઘુમા, શિલજ, શેલા, સાઉથ બોપલ, એપલવુડ, સનાથલ, શાંતિપુરા વિસ્તારોના રહીશોને વરસાદી પાણી ભરાવવાની પરેશાનીમાંથી મળશે છૂટકારો

અમદાવાદની ફરતે આવેલા એસ.પી. રીંગ રોડને ફરતે આવેલા વિસ્તારોમાં ચોમાસુ આવે ત્યારે, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરવા અને ડ્રેનેજના પ્રશ્નોથી લોકો હેરાન થાય છે, જેમ કે, સાઉથ બોપલ, બોપલ, ઘુમા, શિલજ, શેલા, એપલવુડ, શાંતિપુરા, સનાથલ અને ફતેહવાડીમાં પાણી ભરવાથી, સ્થાનિક રહેવાસીઓ પરેશાન થાય છે. પરંતુ, હવે આ તમામ વિસ્તારના રહીશોને હેરાનગતિને દૂર કરવા માટે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) એ જાહેરાત કરી છે કે રિંગ રોડના પશ્ચિમ અને પૂર્વ બંને ભાગો પર મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાના આરે છે અને ચોમાસા પહેલા જૂન સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.

ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં, ચેરમેન દેવાંગ દાણીએ પુષ્ટિ આપી હતી કે વેસ્ટર્ન મેઈન ટ્રંક લાઈન – 28 થી 29 કિમી લાંબી ગટર લાઈન પ્રોજેક્ટ પર લગભગ 90% કામ પૂર્ણ થઈ ગયું છે. આ ટ્રંક લાઇન નવા વિકસિત રહેણાંક અને વાણિજ્યિક ઝોનને જોડશે, જેમાં બોપલ, ઘુમા, શિલજ, ઓગંજ, શેલા, સાયન્સ સિટી, સાઉથ બોપલ, એપલવુડ, સનાથલ, શાંતિપુરા અને ફતેહવાડીનો સમાવેશ થાય છે. તેમણે એએમસીના એન્જિનિયરિંગ વિભાગને 15 જૂન પહેલાં તમામ કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.

વેસ્ટર્ન ટ્રંક લાઈન આ વિસ્તારોમાંથી ગટરને ફતેહપુરા ખાતેના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જશે, જ્યાંથી ટ્રીટેડ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે. દાણીએ ઉમેર્યું હતું કે આ સિસ્ટમ ભારે વરસાદ દરમિયાન ગટરના પાણીના પ્રવાહ અને પાણી ભરાવા જેવી સમસ્યાઓને અટકાવશે.
તેવી જ રીતે, શહેરના પૂર્વ ભાગમાં પણ 90 ટકા પ્રગતિ નોંધાઈ છે. ઓઢવ, કઠવાડા, નવા નરોડા, નવા નિકોલ, વિંઝોલ, રામોલ-હાથીજાન અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વ્યાપક વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે મજબૂત ડ્રેનેજ માળખાની જરૂર છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.