રાજ્યમાં 166 સ્લમ રિડેવલપમેન્ટ દ્વારા 59 હજાર આવાસો તૈયાર થશે
59 thousand housing units will be prepared through 166 slum redevelopment in the state
નવી દિલ્હીમાં રવિવારે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય નીતિ આયોગની ૭મી ગનિંગ કાઉન્સિલની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ સાથે ભાગ લઈ ગુજરાતમાં શહેરી વિકાસ, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી કામગીરી પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૧૬૬ સ્લમ્સમાં ૫૯ હજાર આવાસોના નિર્માણનું કાર્ય હાથ ધર્યું છે, જે પૈકી ૭,૮૦૦ આવાસોના રિડેવલપમેન્ટનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
ત્રિસ્તરીય રોડ-મેપ અંતર્ગત શહેરોના ડેવલપમેન્ટ પ્લાન, ટાઉન પ્લાનિંગ અને સ્થાનિક વિસ્તાર વિકાર આયોજન લોકોની સહમતીથી પાર પાડવામાં આવી રહ્યા છે. જેમાં ૯૦૦થી વધુ ટીપી સ્કીમ્સનું કામ પૂર્ણ થયું છે. ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ દ્વારા છેલ્લા બે વર્ષમાં વિવિધ શહેરોના ૧ લાખ વિકાસ કામોને મંજૂરી અપાઈ છે અને રાજ્યમાં એકસમાન બિલ્ડિંગ બાયલોઝ માટે કોમન જીડીસીઆર બનાવવામાં આવ્યો છે. રાજ્યમાં કૃષિક્ષેત્રે પાછલા બે દશકામાં બાગાયત વિસ્તાર ૩૦૦ ટકા વધારીને ૪.૮૦ લાખ હેક્ટરથી ૨૦ લાખ હેક્ટરે પહોંચાડવામાં આવ્યો છે, જ્યારે વિવિધ દાળની ખેતીનો વિસ્તાર ૬૫ ટકા વધ્યો છે. આ વર્ષે ડ્રોન ટેક્નોલોજીથી નેનો પ્રવાહી યુરિયાના છંટકાવની યોજના અમલમાં મુકાઈ છે અને એમાં ૧.૪૦ લાખ એકર ખેતીની જમીન ઉપર નેનો યુરિયાનો છંટકાવ થશે. બેક ટુ બેઝિક સ્તરે પ્રાકૃતિક ખેતી માટે રાજ્યના સાડા પાંચ લાખ ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા છે અને કૃષિ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી વિષય દાખલ કરાયો છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઊભું કરાયું છે. જેના દ્વારા અંતરિયાળ વિસ્તારની શાળાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
10 Comments