ConstructionGovernmentInfrastructureNEWSPROJECTS

સુરતમાં તાપી નદી પર અડાજણ-અઠવાલાઇન્સને જોડતો મેટ્રો બ્રિજ તૈયાર

સુરત: Built India Media: સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ અડાજણ અને અઠવાલાઇન્સને જોડતો તાપી નદી પરનો 400 મીટર લાંબો મેટ્રો બ્રિજ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. આ બ્રિજમાં 50 મીટરના 8 સ્પાન અને કુલ 144 સેગમેન્ટલ ગર્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પર મેટ્રો ટ્રેનો 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

આ બ્રિજ અડાજણ, પાલ અને રાંદેરના રહેવાસીઓ માટે મેટ્રો કનેક્ટિવિટી સુધારશે. ઉપરાંત, અંત્રોલી ખાતેના આગામી બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચવામાં પણ સરળતા રહેશે. બ્રિજની ઊંચાઈ 20 મીટર રાખવામાં આવી છે અને તેને નદીના હાઈ ફ્લડ લેવલ (HFL) કરતાં 7 મીટર ઊંચો બનાવવામાં આવ્યો છે.

બ્રિજની ડિઝાઇનમાં પૂર સામેની સુરક્ષાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વર્ષ 2006ના સુરતના પૂરનાં આંકડાઓનો અભ્યાસ કરીને તેની રચના કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં પૂર દરમિયાન તાપી નદીના કુદરતી જળપ્રવાહમાં અવરોધ ન સર્જાય. આ બ્રિજ સુરતના કેબલ-સ્ટેડ બ્રિજ પછી શહેરનો બીજો સૌથી ઊંચો બ્રિજ છે.

પેરિસના પ્રસિદ્ધ પોન્ટ ડી બિર-હાકેઇમ બ્રિજની ડિઝાઇનથી પ્રેરિત આ મેટ્રો બ્રિજ કરોડોના તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પરથી પણ પસાર થાય છે. તેના પર 764 મુસાફરોની ક્ષમતા ધરાવતી મેટ્રો ટ્રેનો દોડી શકશે. આ બ્રિજ પૂર્ણ થવાથી સુરતના પશ્ચિમ વિસ્તારોની કનેક્ટિવિટી અને શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close