વડોદરાના સયાજીબાગમાં ₹12.70 કરોડના ખર્ચે મગર આકારનો થીમ આધારિત બ્રિજ બનશે

વડોદરા: Built India Media: સયાજીબાગ (કમાટીબાગ) ખાતે વિશ્વામિત્રી નદી પર ₹12.70 કરોડના ખર્ચે મગરની થીમ આધારિત નવો બ્રિજ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ બ્રિજ હાલના ફૂટ ઓવરબ્રિજનું સ્થાન લેશે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
પ્રસ્તાવિત બ્રિજ 57 મીટર લાંબો અને 7.80 મીટર પહોળો હશે. તેની મધ્યમાં 3 મીટર પહોળો સાઇકલ ટ્રેક અને બંને બાજુ 2-2 મીટરના પદયાત્રી માર્ગ બનાવવામાં આવશે. આ બ્રિજ એકસાથે ઓછામાં ઓછા 200 લોકોને સમાવી શકશે.

બ્રિજના ડિઝાઇનમાં મગરનું માથું અને પૂંછડી, મગરની ચામડી જેવી પેટર્ન ધરાવતી રેલિંગ, થીમ આધારિત ફ્લોરિંગ અને ડેકોરેટિવ લાઇટિંગનો સમાવેશ થશે. સમગ્ર સ્ટ્રક્ચરમાં આશરે 270 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે, જેમાંથી 110 મેટ્રિક ટન સ્ટીલ મગરની થીમ આધારિત ડિઝાઇન માટે વપરાશે.
આ પ્રોજેક્ટ હેઠળ વિશ્વામિત્રી નદીમાં મગરોને નિહાળી શકાય તે માટે ખાસ વ્યૂઇંગ એરિયા પણ વિકસાવવાની યોજના છે. બ્રિજને પ્રવાસીઓ માટે આકર્ષણ, સાઇકલિંગ અને પદયાત્રા માટેની સુવિધા તેમજ વડોદરાની કુદરતી ઓળખ સાથે જોડાયેલા નવા લેન્ડમાર્ક તરીકે વિકસાવવાનો હેતુ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



