ગુજરાતની નવ નવી મહાનગરપાલિકાઓને રાહત દરે સરકારી જમીન ફાળવાશે

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકારે નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓના વિકાસને વેગ આપવા માટે સરકારી જમીનની ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે છૂટછાટ આપી છે. મહેસૂલ વિભાગના નવા ઠરાવ મુજબ, સરકારી પડતર અને ગૌચરની જમીન આવશ્યક સેવાઓ માટે બજારકિંમતના 25% અને વૈકલ્પિક સેવાઓ માટે 50% કિંમતે ફાળવી શકાશે.
આ નિર્ણયનો લાભ નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ મહાનગરપાલિકાઓને મળશે. ફાળવેલી જમીનનો ઉપયોગ મહાનગરપાલિકાની કચેરી, ફાયર સ્ટેશન, પાણી અને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, ડ્રેનેજ, કચરા વ્યવસ્થાપન તથા પમ્પિંગ સ્ટેશન જેવી સુવિધાઓ માટે કરી શકાશે.

આ ઉપરાંત આંગણવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટર જેવા જાહેર હેતુઓ માટે પણ જમીન ફાળવી શકાશે. જિલ્લા કલેક્ટર આવશ્યક સેવાઓ માટે એક હેક્ટર સુધીની જમીન ફાળવી શકશે, જ્યારે મોટી જમીન અને ગૌચરની જમીન માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી રહેશે.
ગૌચરની જમીન ફાળવવામાં આવે તો તેના બદલામાં સમકક્ષ સરકારી પડતર જમીનને ગૌચર તરીકે અનામત રાખવાની રહેશે. જમીન માટેની અરજીઓ IORA પોર્ટલ મારફતે કરવાની રહેશે. ફાળવેલી જમીનનો ઉપયોગ ન થાય તો સરકાર તેને અન્ય જાહેર હેતુ માટે પરત મેળવી શકશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



