ગુજરાતમાં 3 રેલવે બ્રિજના નિર્માણ માટે 500 ટનની ત્રણ ક્રેન્સ તૈનાત

મોરબી: Built India Media: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને મોરબી જિલ્લામાં રેલવે ટ્રેકને પૂરથી થતા નુકસાનથી બચાવવા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી પૂર્ણ કરી છે. વિરમગામ–સામખિયાળી રેલવે લાઇનના માળિયા મિયાણા–વાધરવા સેક્શનમાં એક જ રેલવે બ્લોક દરમિયાન ત્રણ નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ કામગીરી માટે 500 ટન ક્ષમતા ધરાવતી ત્રણ હેવી-ડ્યુટી ક્રેન્સ તૈનાત કરવામાં આવી હતી, જેની કુલ લિફ્ટિંગ ક્ષમતા 1,500 ટન છે. આ ઉપરાંત, પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે આશરે 3.7 કિમી લાંબી પ્રોટેક્શન વોલ અને 12 વધારાની ડ્રેનેજ વ્યવસ્થાઓ પણ બનાવવામાં આવી છે.

માળિયા મિયાણા વિસ્તારમાં ભારે વરસાદ અને મચ્છુ-2 તથા મચ્છુ-3 ડેમમાંથી પાણી છોડવામાં આવતાં પૂરનું જોખમ રહે છે. વર્ષ 1979, 2017 અને ઓગસ્ટ 2024માં આવેલા પૂરને કારણે રેલવે ટ્રેક અને પાટા નીચેની જમીનને નુકસાન થયું હતું, જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. નવી વ્યવસ્થાથી પાણીના નિકાલમાં સુધારો થશે અને ટ્રેકનું ધોવાણ અટકાવવામાં મદદ મળશે.
માળિયા મિયાણા રેલવે જંકશન કચ્છ અને સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડે છે તેમજ કંડલા અને મુન્દ્રા બંદરો સુધી માલવાહક ટ્રેનોની અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ કામગીરીથી મુસાફર અને માલવાહક ટ્રેન વ્યવહારની વિશ્વસનીયતા વધશે તથા ભવિષ્યમાં ભારે વરસાદ દરમિયાન રેલવે માળખાને સુરક્ષા મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



