જમીનના લે-વેચનું પંચામૃત એટલે ‘જમીન વાંચવાની કળા’ પુસ્તકનું લોકાર્પણ

અમદાવાદ: Built India Media: જમીનના વ્યવહારો, દસ્તાવેજો અને કાયદાકીય પ્રક્રિયાને સરળતાથી સમજાવતા ‘જમીન વાંચવાની કળા’ પુસ્તકનું લોકાર્પણ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે કરવામાં આવ્યું હતું. 35 વર્ષનો અનુભવ ધરાવતા લેખક સતીશભાઈ પટેલના આ પુસ્તકનું લોકાર્પણ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
કાર્યક્રમમાં BAPSના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, સરસ્વતીધામના પ્રમુખ સ્વામી, ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. તનેજા સહિત રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જમીનના વ્યવહારમાં યોગ્ય માહિતી, દસ્તાવેજોની ચકાસણી અને કાયદાકીય સમજણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

પુસ્તકમાં જમીનના લે-વેચ, 7/12ના ઉતારા, હક્કપત્રક, NA પરવાનગી, FSI, જમીનના પ્રકારો અને માલિકીના દસ્તાવેજો સહિતના વિષયો આવરી લેવામાં આવ્યા છે. જમીન ખરીદતી કે વેચતી વખતે કયા દસ્તાવેજોની તપાસ કરવી, કઈ બાબતોનું ધ્યાન રાખવું અને વ્યવહારમાં થતી ભૂલો કેવી રીતે ટાળવી તે અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
લેખક સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે જમીનના વ્યવહારમાં માત્ર દસ્તાવેજો વાંચવા પૂરતા નથી, પરંતુ તેની પાછળના કાયદાકીય અર્થ અને વિગતો સમજવી પણ જરૂરી છે. આ પુસ્તકનો હેતુ ખેડૂતો, જમીનમાલિકો, ખરીદ-વેચાણકર્તાઓ, બિલ્ડરો અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવાનો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: અખબારી અહેવાલ



