અમદાવાદના પેલેડિયમ કોર્પોરેટ બિલ્ડિંગના ટોચના માળે આગ, ઓફિસને નુકસાન

અમદાવાદ: Built India Media: મકરબા અંડરપાસ નજીક આવેલા પેલેડિયમ કોર્પોરેટ બિલ્ડિંગના ટોચના માળે આવેલી ઓફિસમાં શુક્રવારે આગ લાગવાની ઘટના બની હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગને કારણે બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી રસ્તા પરથી પણ ધુમાડો સ્પષ્ટ દેખાતો હતો.
ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીના જોરદાર મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ઓફિસમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગને કારણે ઓફિસમાં નુકસાન થયું છે. આગ વધુ ફેલાય નહીં તે માટે ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



