ConstructionHousingInfrastructureNEWSPROJECTS

ગોતામાં બાંધકામ સાઇટ પર જમીન ધસી પડતાં સોસાયટીની દીવાલ ધરાશાયી

અમદાવાદ: Built India Media: અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પાસે આવેલી શાયોના તિલક-3 સોસાયટી નજીક બાંધકામ સાઇટ પર ઊંડા ખોદકામ દરમિયાન જમીન ધસી પડતાં સોસાયટીની દીવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં આસપાસની જમીન અને રહેણાક ઇમારતના પાયાના ભાગને પણ અસર થઈ હતી. ઘટનાને પગલે રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

પ્રાથમિક અહેવાલો મુજબ, નજીકમાં આવેલા પાર્ક વ્યૂ પ્રોજેક્ટના બાંધકામ માટે ભૂગર્ભ કામકાજ અર્થે ઊંડું ખોદકામ ચાલી રહ્યું હતું. જમીન ધસી પડતાં શાયોના તિલક-3 અને નજીકની સોસાયટીના બે બિલ્ડિંગના રહીશોને સલામતીના ભાગરૂપે બહાર ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના જણાવ્યા અનુસાર, સાઇટ પર મંજૂર પ્લાન વિના ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ આ કામગીરી અટકાવવા નોટિસ આપવામાં આવી હતી. હવે AMCએ બાંધકામની તમામ કામગીરી અટકાવી દીધી છે અને માત્ર પ્રોટેક્શન વોલ બનાવવા તથા અસરગ્રસ્ત જમીનનું લેવલિંગ કરવાની મંજૂરી આપી છે.

AMC દ્વારા બિલ્ડરને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. મંજૂરી વિના બાંધકામ અને અગાઉની સૂચના છતાં કામગીરી ચાલુ રાખવાના મુદ્દે બિલ્ડર સહિત સંબંધિત ટેકનિકલ વ્યાવસાયિકો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ શહેરમાં બાંધકામ સાઇટ પર ખોદકામની સલામતી, મંજૂરીની પ્રક્રિયા અને આસપાસની રહેણાક ઇમારતોની સુરક્ષા અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close