RERAથી રિયલ એસ્ટેટમાં પારદર્શિતા વધી, પણ બિઝનેસમાં સરળતા વધારવાની જરૂર: CREDAI NCR

અમદાવાદ: Built India Media: રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ એટલે કે RERAથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા અને વિશ્વાસ વધ્યા છે, પરંતુ પરવડે તેવા મકાનોનો પુરવઠો વધારવા મંજૂરી પ્રક્રિયા અને બિઝનેસ કરવાની સરળતામાં વધુ સુધારાની જરૂર છે, તેમ CREDAI-NCRના પ્રમુખ વિશાલ ગુપ્તાએ જણાવ્યું છે.
CII દ્વારા આયોજિત કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે બિલ્ડિંગ પ્લાનની મંજૂરી, RERA રજિસ્ટ્રેશન અને અન્ય નિયમનકારી પ્રક્રિયામાં થતા વિલંબથી હાઉસિંગ પ્રોજેક્ટ્સની કિંમત અને પરવડે તેવી આવાસ વ્યવસ્થા પર અસર પડે છે. GSTમાં રિયલ એસ્ટેટ માટે ઇનપુટ ક્રેડિટની અછતને પણ તેમણે ખર્ચ વધારતા પરિબળ તરીકે દર્શાવી છે.

વધુમાં તેમણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સારા કોન્ટ્રાક્ટરો અને કુશળ શ્રમિકોની અછતને પણ મોટો પડકાર ગણાવ્યો છે. કુશળ મજૂરોની અછતને કારણે શ્રમિક ખર્ચ વધી રહ્યો છે, પરિણામે બાંધકામનો કુલ ખર્ચ પણ વધી રહ્યો છે. સાથે જ વિકાસ માટે વધુ જમીન ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો.
આ ઉપરાંત, તેમણે જણાવ્યું છે કે, પરવડે તેવા મકાનો માટે ઓછા ખર્ચે મૂડી ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પણ છે. તેમના મતે રોકાણ આકર્ષવા માટે કાયદા અને નીતિઓ વધુ સ્પષ્ટ અને અનુમાનિત હોવી જરૂરી છે. CREDAI-NCRએ ડેવલપર્સને પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરી હોમબાયર્સને સોંપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા



