મુંબઈ કોસ્ટલ રોડ પર BMWનો અકસ્માત, ગુજરાતના 3 કોલેજિયનના મોત

મુંબઈ: Built India Media: મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે વહેલી સવારે લગભગ 5:20 વાગ્યે BMW કાર બેરિયર તોડીને 70-75 ફૂટ ઊંડી અન્ડરકન્સ્ટ્રક્શન સાઇટમાં ખાબકી હતી. અકસ્માતમાં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે.
મૃતકોમાં ધૈર્ય શેઠ (17), આદિત્ય જકાસણિયા (19) અને શનય ગજ્જર (21) નો સમાવેશ થાય છે, જ્યારે આદિત્ય ઓસવાલ (23)ને સારવાર માટે BYL નાયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચારેય યુવકો ગુજરાતના હતા અને મુંબઈની બે અલગ-અલગ કોલેજોમાં અભ્યાસ કરતા હતા.
CCTVમાં BMW ઝડપથી દોડતી જોવા મળી હતી અને પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ ડ્રાઇવર શનય ગજ્જરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર બીજા લેવલના રેમ્પ પરથી નીચે ખાબકી હતી. અકસ્માતની જાણ એક વાહનચાલકે પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી, ત્યારબાદ નજીકના વોચમેને પોલીસને ઘટનાસ્થળ બતાવ્યું હતું.

પોલીસે ચારેય યુવકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ત્રણને મૃત જાહેર કરાયા. મૃતકોના બ્લડ સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે અને પોસ્ટમોર્ટમ પણ કરાયું છે. પોલીસે અકસ્માત મોતની નોંધ સાથે રેશ ડ્રાઇવિંગ અને બેદરકારીથી મોત નિપજાવવા અંગેની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
અકસમાત બાદ માર્ચ 2024માં શરૂ થયેલા મુંબઈ કોસ્ટલ રોડ પર અકસ્માતોમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઓછામાં ઓછી 6 થઈ છે. જોડાયેલ BKC સ્ટ્રેચને સામેલ કરવામાં આવે તો આ આંકડો 7 થાય છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છે. વાહનચાલકોએ ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારના સમયે ઝડપથી વાહન ચલાવવાનું ટાળવું, ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને માર્ગ પર જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા



