ઉકાઈ-કાકરાપાર યોજના: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન બહુહેતુક જળસંપત્તિ

સુરત/ Built India Media : ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી આકાર પામેલી ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના આજે દક્ષિણ ગુજરાતના કૃષિ, વીજ ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ બની છે. તાપી નદી પર આવેલી આ યોજના રાજ્યની સૌથી જૂની અને મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક છે.

• બે તબક્કામાં થયું યોજનાનું નિર્માણ
- વર્ષ ૧૯૪૯થી ૧૯૫૪ દરમિયાન પ્રથમ તબક્કામાં ૬૩૩.૫૦ મીટર લાંબો કાકરાપાર વીયર બનાવાયો હતો.
- બીજા તબક્કામાં ૧૯૬૪માં ઉકાઈ બંધનું કામ શરૂ થયું હતું અને વર્ષ ૧૯૭૨માં તેનું નિર્માણ પૂર્ણ થયું હતું.
- વર્ષ ૧૯૭૩માં જળાશયમાં પ્રથમ વખત પાણી ભરવામાં આવ્યું હતું.
• ૭,૪૯૭ મિલિયન ઘન મીટરની સંગ્રહ ક્ષમતા
- આશરે ૬૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં પથરાયેલા ઉકાઈ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા ૭,૪૯૭ મિલિયન ઘન મીટર છે.
- જીવંત સંગ્રહ ક્ષમતા ૬,૬૧૫ મિલિયન ઘન મીટર છે.
- પૂર્ણ જળ સપાટીએ જળાશયની પરિધિ આશરે ૫૨૫ કિ.મી. થાય છે.
• ૩.૩૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં સિંચાઈ
- ઉકાઈ યોજનાથી ૩,૩૧,૫૫૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે.
- સુરત, નવસારી, તાપી, વલસાડ અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને તેનો સીધો લાભ મળે છે.
- વિવિધ નહેરો અને ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા અનેક ગામો અને ખેતી વિસ્તારો સુધી પાણી પહોંચાડવામાં આવે છે.

• વીજ ઉત્પાદન માટે પણ મહત્વપૂર્ણ
ઉકાઈ જળાશયમાંથી ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટ, હાઈડ્રો પાવર પ્લાન્ટ તેમજ કાકરાપાર અણુ મથક જેવા વીજ ઉત્પાદન મથકોને પાણી પૂરું પાડવામાં આવે છે. આથી રાજ્યના વીજ પુરવઠામાં પણ યોજનાનું મહત્વપૂર્ણ યોગદાન છે.
• પીવાનું અને ઔદ્યોગિક પાણી
ઉકાઈ યોજનાના પાણીથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના વિવિધ શહેરો અને વિસ્તારોની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. આ ઉપરાંત GIDC, પેપર મિલો, સુગર ફેક્ટરીઓ સહિતના ઔદ્યોગિક એકમોને પણ પાણી પૂરું પાડવામાં આવે છે.
• તાપી નદી પરની મહત્વપૂર્ણ યોજના
મધ્યપ્રદેશના મુલતાઈમાંથી નીકળતી તાપી નદીની કુલ લંબાઈ ૭૨૪ કિ.મી. છે, જેમાંથી ૨૧૪ કિ.મી. ગુજરાતમાં વહે છે. ઉકાઈ જળાશય તાપી નદીના જળસંચય અને વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
• દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસમાં યોગદાન
સિંચાઈ, પૂર નિયંત્રણ, પીવાનું પાણી, વીજ ઉત્પાદન અને ઔદ્યોગિક જળ પુરવઠા જેવા અનેક હેતુઓને સિદ્ધ કરતી ઉકાઈ-કાકરાપાર યોજના દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- માહિતી ખાતું, ગુજરાત સરકાર



