ગુજરાત સરકારે નવા એપાર્ટમેન્ટ બ્લોક્સમાં પીજી (Paying Guest) સુવિધાઓ પર મુકાશે પ્રતિબંધ

અમદાવાદ | Built India Digital
ગુજરાત સરકાર કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (CGDCR)માં સુધારા કરીને નવા એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પીજી (Paying Guest) સુવિધાઓને મંજૂરી નહીં આપવાનો નિર્ણય લઈ રહી છે. આ સુધારા બાદ રહેણાંક એપાર્ટમેન્ટ અને પીજી સાથેના મિશ્ર બાંધકામના નકશાઓને મંજૂરી આપવામાં આવશે નહીં.
અત્યાર સુધી ગુજરાતના શહેરી આયોજનના નિયમોમાં “પેઇંગ ગેસ્ટ (PG)” શબ્દનો કોઈ ઉલ્લેખ ન હતો. પરંતુ 28 જુલાઈએ, રાજ્યના શહેરી વિકાસ અને આવાસ વિભાગે CGDCRમાં સુધારા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. વિભાગે જાહેરનામું બહાર પાડી 3 ઓક્ટોબર સુધી નાગરિકો પાસેથી સૂચનો અને વાંધાઓ આમંત્રિત કર્યા છે.

પ્રસ્તાવિત સુધારા મુજબ, પીજી સુવિધાઓને ‘ડ્વેલિંગ-3 (DW3)’ શ્રેણી હેઠળ સામેલ કરવામાં આવશે અને માત્ર સ્વતંત્ર (સ્ટેન્ડઅલોન) બાંધકામ તરીકે જ મંજૂરી આપવામાં આવશે. ઉપરાંત, પ્રી-સ્કૂલને નવી “એજ્યુકેશન-1″ કેટેગરી હેઠળ વર્ગીકૃત કરવામાં આવશે.
જાહેરનામા મુજબ, 200 થી 1,000 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા પ્લોટ પર, ઓછામાં ઓછા 50 ચોરસ મીટર બિલ્ટ-અપ એરિયા સાથે અને મહત્તમ 12 મીટર ઊંચાઈ સુધી પ્રી-સ્કૂલના બાંધકામને મંજૂરી મળશે.
રહેણાંક વિસ્તારોની બંગલો યોજનાઓમાં પ્રી-સ્કૂલને મંજૂરી મળશે, પરંતુ રહેણાંક એપાર્ટમેન્ટ યોજનાઓમાં પ્રી-સ્કૂલ ચલાવવાની મંજૂરી નહીં મળે.

સરકારી અધિકારીના જણાવ્યાનુસાર, 2017માં સમગ્ર ગુજરાતમાં CGDCR અમલમાં આવ્યા બાદ પહેલીવાર પીજી અને પ્રી-સ્કૂલ માટે અલગ અને સ્પષ્ટ બાંધકામ નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદમાં વર્ષોથી ચાલતી કાનૂની અનિશ્ચિતતા, સીલિંગ કાર્યવાહી અને અમલવારી સંબંધિત ગૂંચવણનો અંત આવશે.
2017ના CGDCRમાં પીજીનો કોઈ ઉલ્લેખ ન હતો. તેથી AMC દ્વારા 2025માં બહાર પાડવામાં આવેલી પીજી માર્ગદર્શિકા હોસ્ટેલ અને બોર્ડિંગ હાઉસના નિયમોના આધારે તૈયાર કરવામાં આવી હતી. જોકે તેમાં પીજીની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી ન હતી.
AMCના અધિકારીએ જણાવ્યું કે, 2025 સુધી અમદાવાદમાં કુલ 401 પીજી સંચાલિત થઈ રહ્યા હતા. ત્યારબાદ એક ભાજપના રાજ્યસભા સભ્યે MP-MLA કો-ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં ગેરકાયદેસર પીજીનો મુદ્દો ઉઠાવતા AMCએ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અભિયાન દરમિયાન પોલીસ અને સોસાયટીના NOC વિના ચાલતા 385 પીજીને નોટિસો પાઠવવામાં આવી હતી અને રહેણાંક સોસાયટીઓમાં ચાલતા 25થી વધુ પીજીને સીલ કરવામાં આવ્યા હતા. જોકે આ કાર્યવાહીનો કાનૂની આધાર પડકારવામાં આવ્યો હતો.
બે વર્ષ પહેલાં AMCએ અમદાવાદમાં રહેણાંક મકાનોમાં ચાલતી અનેક પ્રી-સ્કૂલને પણ સીલ કરી હતી. બાદમાં નિયમોનું પાલન કરવાની બાંહેધરી આપ્યા પછી તેમને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, સુધારેલા CGDCR દ્વારા અત્યાર સુધી નિયમોની સ્પષ્ટતા વિના ચાલતી પીજી અને પ્રી-સ્કૂલ પ્રવૃત્તિઓને પ્રથમવાર કાનૂની માળખું મળશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ માટે પ્રથમ વખત ડેવલપમેન્ટ પ્લાન આધારિત GDCR ડિસેમ્બર 2014માં અમલમાં આવ્યો હતો, જ્યારે સમગ્ર ગુજરાતના શહેરી વિસ્તારો માટે એક સમાન CGDCR વર્ષ 2017માં લાગુ કરવામાં આવ્યો હતો. હાલમાં અમદાવાદના ડેવલપમેન્ટ પ્લાન-2041ને મંજૂરી મળે તે પહેલાં આ સુધારાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



