HousingNEWS

અમદાવાદના હેરિટેજ ઝોનમાં મોટા પ્રોજેક્ટ્સ પર સરકારનો પ્રતિબંધ

અમદાવાદ | Built India Digital

અમદાવાદના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વોલ્ડ સિટીના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે ગુજરાત સરકારે કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (CGDCR)માં મહત્વપૂર્ણ સુધારા પ્રસ્તાવિત કર્યા છે. નવા ડ્રાફ્ટ નિયમો મુજબ હેરિટેજ ઝોનમાં મોટાપાયે વ્યાપારી, સંસ્થાકીય અને ઔદ્યોગિક વિકાસ પર નિયંત્રણ લાદવામાં આવશે.

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે જાહેર કરેલા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં હોલસેલ માર્કેટ, સિનેમા અને મલ્ટિપ્લેક્સ, કોલેજો, કન્વેન્શન સેન્ટર, મોટી હોસ્પિટલો, ગોડાઉન, વેરહાઉસ અને વિવિધ ઔદ્યોગિક એકમો જેવા નવા પ્રોજેક્ટ્સને વોલ્ડ સિટીમાં મંજૂરી ન આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, નવી અફોર્ડેબલ હાઉસિંગ યોજનાઓને પણ આ વિસ્તારમાં મંજૂરી નહીં મળે.

સરકારનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વોલ્ડ સિટીમાં વધતી વ્યાપારી પ્રવૃત્તિઓ હેરિટેજ વિસ્તારના મૂળ સ્વરૂપને અસર કરી રહી છે. તેથી વિકાસ અને વારસાના સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવા માટે આ સુધારા જરૂરી બન્યા છે.

ડ્રાફ્ટ નિયમો અંગે રાજ્ય સરકારે 3 ઓક્ટોબર સુધી નાગરિકો અને હિતધારકો પાસેથી વાંધા અને સૂચનો આમંત્રિત કર્યા છે. રજૂઆતોના આધારે અંતિમ નિયમો જાહેર કરવામાં આવશે.

રિયલ એસ્ટેટ પર શું થશે અસર?

જો આ સુધારા અમલમાં આવશે તો હેરિટેજ ઝોનમાં મોટા કોમર્શિયલ અને સંસ્થાકીય પ્રોજેક્ટ્સના વિકાસ પર અસર પડશે. બીજી તરફ, હેરિટેજ-સંવેદનશીલ પુનર્વિકાસ (Heritage-sensitive Redevelopment), સંરક્ષણ અને પરંપરાગત શહેરી માળખાને પ્રોત્સાહન મળશે, જે અમદાવાદના ઐતિહાસિક વિસ્તારને લાંબા ગાળે સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close