GovernmentHousingInfrastructureNEWS

અમદાવાદની ડાયાફ્રોમ વોલ દુર્ઘટના: હાઈરાઈઝ નિર્માણમાં સલામતીના ધોરણોનું કડક પાલન હવે સમયની માંગ

શહેરના સિંધુ ભવન રોડ પર તાજેતરમાં બનેલી ડાયાફ્રોમ વોલ ધરાશાયી થવાની ઘટનાએ, રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં સલામતીના ધોરણોને લઈને ગંભીર ચર્ચા શરૂ કરી છે. 23 જુલાઈના રોજ ભારે વરસાદ દરમિયાન એશ્રીધર ગ્રુપના નિર્માણાધીન હાઈરાઈઝ પ્રોજેક્ટમાં ડાયાફ્રોમ વોલનો એક ભાગ ધરાશાયી થતાં આસપાસ આવેલી કેટલીક કોમર્શિયલ મિલકતોને નુકસાન પહોંચ્યું છે. જો કે, કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અનેક વેપારીઓ અને ઓફિસધારકોને નુકસાન થયું તેવું જાણવા મળે છે.

ખાસ કરીને ઘટનાની બાજુમાં આવેલી એરિસ્ટા ગ્રુપની બિલ્ડિંગમાં આવેલી અંદાજે 100થી વધુ ઓફિસોનું કામકાજ હાલ બંધ છે. તો શિલ્પ-એરોન ગ્રુપના બિલ્ડિંગમાં પણ ક્યાંક તિરાડો પડી છે. આ ઘટનાએ માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ શહેરમાં ઝડપથી વધી રહેલા હાઈરાઈઝ નિર્માણની સલામતી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

ડાયાફ્રોમ વોલ શું છે?

ડાયાફ્રોમ વોલ હાઈરાઈઝ બિલ્ડિંગોના ઊંડા બેઝમેન્ટ માટે બનાવવામાં આવતી રીઇનફોર્સ્ડ કોન્ક્રિટ રિટેનિંગ વોલ છે. તેનો મુખ્ય હેતુ જમીનનું દબાણ નિયંત્રિત કરવો, ભૂગર્ભ જળના પ્રવેશને રોકવો અને આસપાસની ઈમારતોને સુરક્ષિત રાખવાનો છે. આ પ્રકારની વોલનું ડિઝાઇન અને નિર્માણ અત્યંત તકનીકી પ્રક્રિયા હોવાથી તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે.

ડાયાફ્રોમ વોલના નિર્માણ પહેલાં શું ધ્યાન રાખવું?

નિષ્ણાતોના મતે, ડાયાફ્રોમ વોલનું કામ શરૂ કરતાં પહેલાં નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

  • જમીનની જિયોટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન અને માટીની બેરિંગ ક્ષમતાનો અભ્યાસ.
  • ભૂગર્ભ જળના સ્તર અને આસપાસની ઇમારતોના ફાઉન્ડેશનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન.
  • બેઝમેન્ટની ઊંડાઈ અને બિલ્ડિંગના લોડ મુજબ સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કરવી.
  • બેન્ટોનાઈટ સ્લરી, સ્ટીલ રિઇનફોર્સમેન્ટ અને કોન્ક્રિટિંગની ગુણવત્તા પર સતત દેખરેખ રાખવી.
  • ડાયાફ્રોમ વોલ પૂર્ણ થયા બાદ તેની ગુણવત્તા ચકાસ્યા વગર ખોદકામ શરૂ ન કરવું.
  • ખોદકામ તબક્કાવાર કરીને દરેક તબક્કે સ્ટ્રટ્સ અથવા બ્રેસિંગ સિસ્ટમ દ્વારા યોગ્ય ટેકો આપવો.

સરકાર અને તંત્રએ જાગૃત થવાની જરુર

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હાઈરાઈઝ પ્રોજેક્ટોની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં માત્ર બિલ્ડરની જવાબદારી પૂરતી નથી. સંબંધિત સરકારી તંત્ર દ્વારા નિયમિત સાઇટ ઇન્સ્પેક્શન, ટેક્નિકલ ચકાસણી અને સલામતીના ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની સતત દેખરેખ પણ એટલી જ જરૂરી બની જાય છે.

નિષ્ણાતોનું માનવું છે કે મોટા હાઈરાઈઝ પ્રોજેક્ટોમાં થર્ડ પાર્ટી સ્ટ્રક્ચરલ ઓડિટ, રિયલ-ટાઈમ ગ્રાઉન્ડ મોનિટરિંગ, ઇન્ક્લાઇનોમીટર, સેટલમેન્ટ મોનિટરિંગ અને વાઇબ્રેશન મોનિટરિંગ સિસ્ટમ જેવી આધુનિક વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. આ ટેક્નોલોજી સમયસર જોખમની ઓળખ કરવામાં મદદરૂપ બની શકે છે.

સુરક્ષિત વિકાસ જ સાચો વિકાસ

અમદાવાદમાં વધી રહેલા શહેરી વિકાસ સાથે સલામતીના ધોરણોનું કડક પાલન અનિવાર્ય બની ગયું છે. એક નાની તકનીકી ભૂલ માત્ર નિર્માણાધીન પ્રોજેક્ટને જ નહીં, પરંતુ આસપાસની મિલકતો, વેપાર-ધંધા અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને પણ જોખમમાં મૂકી શકે છે.

તેથી બિલ્ડર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર અને સરકારી તંત્ર—તમામ હિતધારકોની સંયુક્ત જવાબદારી છે કે તેઓ દરેક પ્રોજેક્ટમાં સલામતીના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close