કચ્છમાં ₹5,600 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું કામ ચાલુ, નવી લાઈનો અને ટ્રેક ડબલિંગને વેગ

કચ્છ: Built India Media: કચ્છમાં રેલવે કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધાઓ મજબૂત બનાવવા માટે આશરે ₹5,600 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કચ્છમાં ટ્રેક ડબલિંગ, ક્ષમતા વધારવા અને નવી રેલવે લાઈનો અંગે માહિતી આપી હતી.
સમખિયાળી-ભચાઉ, ગાંધીધામ-આદિપુર અને આદિપુર-ભુજ સહિતના મહત્વના રૂટ પર ક્ષમતા વધારવા તથા ડબલિંગનું કામ હાથ ધરાયું છે. ભુજ-નળિયા ગેજ કન્વર્ઝન પૂર્ણ થયું છે, જ્યારે નળિયા-જખૌ પોર્ટ નવી બ્રોડગેજ લાઈનને પણ મંજૂરી આપવામાં આવી છે.

રેલવે મંત્રીએ ગુજરાતમાં 5 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) સંબંધિત પ્રોજેક્ટ્સનો પણ ઉલ્લેખ કર્યો. કચ્છના શિવલખા અને ભીમાસર સહિતના ટર્મિનલથી માલવાહક પરિવહનને વેગ મળવાની સાથે બંદરો અને દેશના અન્ય બજારો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બનશે.
કચ્છમાંથી મીઠાના પરિવહન માટે શિવલખાથી મીઠાપુર સુધી મીઠું ભરેલી માલગાડીને પણ ફ્લેગ ઓફ કરવામાં આવી. મીઠાના સરળ પરિવહન માટે ખાસ હળવા વજનના સ્ટેનલેસ-સ્ટીલ કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના વાપી-સુરત સેક્શનનું કામ ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



