GovernmentNEWSPROJECTS

સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા, કલેક્ટરો અને ડી.ડી.ઓ.ની સત્તામર્યાદામાં કરાયો વધારો

મુખ્યમંત્રીએ સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓ.ની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે હંમેશા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા સાથે વહિવટી પ્રક્રિયામાં સુધારા અને વ્યાપક સરળીકરણનો અભિગમ અપનાવ્યો છે. આ નિર્ણયથી નીચે મુજબના ફાયદાઓ થશે.  

  1. સરકારી પ્રોજેક્ટ્સ તથા ઔદ્યોગિક સમાજિક હેતુ માટે સરકારી જમીન ફાળવણી વધુ ઝડપી થશે અને રોજગારીને વેગ મળશે.
  2. કલેક્ટર – ડી.ડી.ઓ. પાસે નિર્ણયની સત્તાને પરિણામે નાગરિકોને ગાંધીનગર સુધી આવવુ નહિ પડે જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે.
  3. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, જિલ્લા કલેક્ટરોની સત્તામર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે. જેમાં નીચે મુજબ સત્તામર્યાદાઓનો સમાવેશ કરવામાં આવે છે.

1- રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનને ૨ હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરશ્રીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૧ કરોડ કરવામાં આવી છે.

2- કેન્દ્ર સરકારના વિભાગોને (જાહેર હેતુ) માટે ૧ હેક્ટર સુધીની જમીન માટે નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે.

3- (સરકારી કર્મચારી/વ્યક્તિગત) રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૨૦ લાખ કરવામાં આવી છે.

4- સહકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે.

5- વ્યાપારિક હેતુ માટે (હરાજીથી) જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૫ લાખ કરાઈ છે.

6- સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ: સત્તામર્યાદા રૂ. ૩ લાખથી વધારીને રૂ. ૧૫ લાખ સુધી વધારવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે.

* વ્યક્તિગત રહેઠાણ: સત્તામર્યાદા રૂ. ૨૦,૦૦૦ થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી છે.

* સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ: સત્તામર્યાદા રૂ. ૧.૫ લાખથી વધારીને રૂ. ૭.૫ લાખ કરાઈ છે.

* દૂધ મંડળીઓ / સહકારી ગોડાઉન / ગ્રામીણ ગ્રીડ: સત્તામર્યાદા રૂ. ૨૦,૦૦૦ થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરાઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે હવે જિલ્લા કક્ષાએ જ નિકાલ શક્ય બનશે. તેમજ સ્થાનિક કક્ષાએ જમીનનો રેકોર્ડ અને સ્થળ સ્થિતિ ઉપલબ્ધ હોવાથી વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે. વધુમાં આ નિર્ણયથી સરકારી પ્રોજેક્ટો તથા ઔદ્યોગિક-સામાજિક હેતુ માટે સરકારી જમીની ફાળવણી વધુ ઝડપથી થશે તથા વિકાસ કાર્યો અને રોજગારીને વેગ મળશે. અને તેના કારણોસર સરકારી જમીનની કબજાકિંમત/પ્રીમિયમની રકમ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થશે.

સ્થાનિક કક્ષાએ જ કલેક્ટર અને ડી.ડી.ઓ. પાસે નિર્ણય લેવાની સત્તા હોવાથી અરજદાર સંસ્થાઓ, વિભાગોને જિલ્લા કક્ષાએથી જ ફોલો-અપ લેવું વધુ સરળ બનશે.

રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન તથા ભારત સરકારના ખાતાઓને જમીન ફાળવણી માટે કલેક્ટરે જનરેટ કરેલ ઈન્ટિમેશન પછી કબ્જાકિંમત/પ્રીમિયમ ૯૦ દિવસ સુધીમાં ભરપાઈ ન થાય, તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારો આપવાની સત્તા કલેક્ટરને મળવાથી કામનું પુનરાવર્તન ઘટશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- માહિતી ખાતુ, ગાંધીનગર

Show More

Related Articles

Back to top button
Close