ઈસ્કોન જંક્શનથી કે.ડી. હોસ્પિટલ સુધીના વ્યસ્ત માર્ગને ‘ઝીરો ટોલરન્સ રોડ’ તરીકે જાહેર

શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્ત રીતે એક મહત્વપૂર્ણ ટ્રાફિક વ્યવસ્થાપન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ અંતર્ગત શહેરના 76 કિમી લાંબા રિંગ રોડ પર આવેલા કુલ 40 કટ બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રના મુજબ, આ પગલાથી પીક અવર્સ દરમિયાન વાહન ચાલકોનો આશરે 30 મિનિટ જેટલો સમય બચી શકશે.
ગોતા, સોલા અને પેલેડિયમ મોલના કટ અગાઉ બંધ કરવામાં આવ્યા બાદ હવે ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે એસજી હાઇવે પરના વધુ છ કટ બંધ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રહલાદનગર, ઈસ્કોન, વાયએમસીએ, થલતેજ અને કર્ણાવતી ક્લબ નજીક આવેલા કટ બંધ કરવા અંગે વ્યાપક સર્વે ચાલી રહ્યો છે. સંબંધિત વિભાગોની બેઠક બાદ આગામી દિવસોમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ટ્રાફિક વ્યવસ્થાપન યોજનાના ભાગરૂપે ઇસ્કોન જંક્શનથી કે.ડી. હોસ્પિટલ સુધીના વ્યસ્ત માર્ગને ‘ઝીરો ટોલરન્સ રોડ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ માર્ગને સંપૂર્ણપણે સિગ્નલ-ફ્રી બનાવી વાહનવ્યવહારને અવરોધમુક્ત બનાવવાનો બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે આ માર્ગ પર આવેલા 27 સ્થળોનું નિરીક્ષણ કર્યા બાદ વિગતવાર અહેવાલ તૈયાર કરીને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેરફારો માટે AMC સમક્ષ રજૂઆત કરી છે.
ઝીરો ટોલરન્સ રોડ એટલે શું?
ઝીરો ટોલરન્સ રોડ એ એવો માર્ગ છે, જ્યાં ટ્રાફિક નિયમોના ભંગ સામે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવતી નથી. ગેરકાયદે પાર્કિંગ, નો-પાર્કિંગ ઝોનમાં વાહન ઉભું રાખવું, ખોટી દિશામાં વાહન ચલાવવું તેમજ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવા જેવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ માર્ગ પર વાહન વ્યવહારને સરળ, સલામત અને સુવ્યવસ્થિત બનાવવાનો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



