GICEA દ્વારા અમદાવાદ-ગાંધીનગર-ડીપી પ્લાન-2041ની પૂર્વતૈયારીઓ માટે યોજાયો સેમિનાર

ગુજરાતના મહત્વના બે શહેર સ્ટેટ કેપિટલ ગાંધીનગર અને આર્થિકનગર અમદાવાદના ડેવલપમેન્ટ પ્લાન-2041 માટેનું પ્લાનિંગ માટેની પૂર્વતૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતના આર્કિટેક્ટ અને સિવીલ એન્જીનીયર્સની નામાંકિત સંસ્થા GICEA દ્વારા અમદાવાદ ખાતે, અમદાવાદ-ગાંધીનગર 2041ના ડેવલપેમેન્ટ પ્લાન અંગે ગ્રોથ, મોબિલિટી એન્ડ રિઝિલિયન્સના વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના મુખ્ય સચિવ એમ.કે. દાસ, IAS ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન, ટેકનિકલ સત્રોમાં ડૉ. બિમલ પટેલ, ટીપીઆર એન.કે. પટેલ, રોહન શાહ, ડૉ. શાલિની સિન્હા અને અપૂર્વ પરીખ સહિતના પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ શહેરી વિકાસ, મોબિલિટી સિસ્ટમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન, આર્થિક વિકાસ અને રિઝિલિયન્ટ અર્બન ફ્રેમવર્ક અંગે પોતાના સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા.
આ સેમિનારનો મુખ્ય હેતુ અમદાવાદ અને ગાંધીનગર માટે તૈયાર થઈ રહેલા ડેવલપમેન્ટ પ્લાન-2041 સંરર્ભે વ્યાવસાયિક ચર્ચા-વિચારણા, નિષ્ણાતોના અભિપ્રાયો, ભલામણો અને ટેકનિકલ સૂચનો એકત્રિત કરવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા The Gujarat Institute of Civil Engineers & Architects (GICEA) દ્વારા ITPI, GCCI) અને LJ University સંયુક્ત શનિવારે અમદાવાદની એક ખાનગી હોટલમાં આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં અગ્રણી અર્બન પ્લાનર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ, શિક્ષણવિદો, નીતિનિર્માતાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ણાતો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સહિત વિવિધ હિતધારકોએ ભાગ લીધો હતો. અમદાવાદ અને ગાંધીનગરના ભવિષ્યના વિકાસ અને આયોજન સાથે જોડાયેલા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સેમિનાર દરમિયાન પાંચ મુખ્ય વિષયો પર મનોમંથન કરવામાં આવ્યું હતું, જેમાં હાલના શહેરોના ડેન્સિફિકેશન, પેરી-અર્બન અને ફ્રિન્જ વિસ્તારો માટેના આયોજન ધોરણો, ડેવલપમેન્ટ પ્લાન દ્વારા આર્થિક વિકાસ, મોબિલિટી કેન્દ્રિત શહેરી વિકાસ આયોજન અને રિઝિલિયન્ટ તેમજ ભવિષ્યલક્ષી શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

ચર્ચા દરમિયાન ઝડપથી વધી રહેલા શહેરીકરણ, વિસ્તરતા પેરી-અર્બન વિસ્તારો, વધતી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો તથા આગામી દાયકાઓમાં અમદાવાદ–ગાંધીનગરને આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા કાર્યક્રમોના યજમાન પ્રદેશ તરીકે વિકસાવવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સંકલિત અને ભવિષ્યલક્ષી આયોજનની જરૂરિયાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
સેમિનારના કન્વીનર અને GICEAના પૂર્વ પ્રમુખ ડૉ. વત્સલ એસ. પટેલે જણાવ્યું હતું કે, “આ વર્કશોપનું આયોજન વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને એક મંચ પર લાવી પ્રાયોગિક અને રચનાત્મક ભલામણો તૈયાર કરવા માટે કરવામાં આવ્યું હતું, જેથી અમદાવાદ અને ગાંધીનગરના ડેવલપમેન્ટ પ્લાન–2041ને વધુ અસરકારક બનાવવામાં મદદ મળી શકે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાંબા ગાળાના પ્રાદેશિક વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રિઝિલિયન્ટ અને સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ અત્યંત આવશ્યક છે. સેમિનાર દરમિયાન થયેલી ચર્ચાઓ અને મુખ્ય ભલામણોનું દસ્તાવેજીકરણ કરીને સંબંધિત સત્તાધીશો અને નીતિ નિર્માતાઓને ડેવલપમેન્ટ પ્લાન–2041ની તૈયારી અને અમલીકરણ માટે મોકલવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



