ક્રેડાઈ અમદાવાદે GujRERA સમક્ષ 6 મહિના સુધીનો સમય વિસ્તારની કરી માંગ

પશ્વિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના પગલે, ભારતમાં આર્થિક અરાજકતામાં જોવા મળી રહી છે. જેના પગલે, રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગૂજરેરા) સમક્ષ ચાલુ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે “ફોર્સ મેજ્યોર” જોગવાઈ હેઠળ છ મહિના સુધીનો સમય વિસ્તાર આપવા માંગ કરી છે.

ક્રેડાઈએ જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ આધારિત બાંધકામ સામગ્રીની ઉપલબ્ધિ પર અસર પડી છે, જેના કારણે પ્રોજેક્ટ્સના અમલીકરણમાં વિલંબ અને નાણાકીય આયોજન પર દબાણ વધ્યું છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે, સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ, એલ્યુમિનિયમ, પીવીસી પાઇપ, પેઇન્ટ, રેડીમિક્સ કંક્રીટ, સિમેન્ટ બ્લોક્સ અને વોટરપ્રૂફિંગ જેવી મહત્વપૂર્ણ સામગ્રીના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સપ્લાયર્સ દ્વારા 30% થી 60% સુધી ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું પણ દાવો કરવામાં આવ્યો છે, જ્યારે સામગ્રીની ઉપલબ્ધિ પણ અનિશ્ચિત બની છે.

આ પરિસ્થિતિના કારણે કુલ પ્રોજેક્ટ ખર્ચમાં અંદાજે 10% થી 20% જેટલો વધારો થયો છે, જેના કારણે પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન સમયે બનાવાયેલા બજેટ અને કેશ ફ્લો આયોજન પર અસર પડી છે.
ક્રેડાઈ અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ જણાવ્યું કે, “ડેવલપર્સ માટે આ અસાધારણ પરિસ્થિતિ છે, જ્યાં જરૂરી બાંધકામ સામગ્રીની ઉપલબ્ધિ અને ભાવ બંને પર એકસાથે અસર પડી છે.” સંસ્થાએ મજૂરોની અછત અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ઉનાળાની ઋતુમાં મજૂરોની સંખ્યા ઘટતા અને સામગ્રીની અનિયમિત સપ્લાયને કારણે બાંધકામ કાર્ય જાળવી રાખવું મુશ્કેલ બન્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



